ધારાસભ્ય ચૈતર વસાવા અંદાજે 80 દિવસ જેટલો જેલવાસ ભોગવ્યા બાદ આજે પહેલીવાર વહીવટી તંત્રની મીટિંગમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટરને CCTC અથવા લાઈવ રેકોર્ડિંગ ચાલું રાખવા અથવા તો મીડિયાના મિત્રોને બેઠકમાં હાજર રાખવાની રજૂઆત કરી હતી, જે મામલે કલેક્ટરે માહિતી વિભાગના કેમેરામાં ફૂલ વીડિયોગ્રાફી કરવાની ખાતરી આપતા તેમણે આ બેઠકમાં હાજર રહ્યાં હતા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ''મીટિંગમાં કાચનો ગ્લાસ કે, પાણીની બોટલ જેવી એક પણ વસ્તું ન રાખવી કારણ કે, આ લોકો પૂર્વ આયોજિત કાવતરૂ કરીને મારા પર આક્ષેપ કરી શકે છે''.
વીડિયોગ્રાફી વચ્ચે બેઠક યોજાઈ હતી
દૂધના દાઝેલા છાસ પણ હવે ફૂંકી ફૂંકીન પીવે તેવા હાલ ધારાસભ્ય ચૈતર વસાવાના જોવા મળ્યા હતા. ગુજરાત પેટનની આયોજન અંગેની બેઠકમાં માહિતી ખાતાના કેમરા મારફતે ચાલુ વીડિયોગ્રાફી વચ્ચે આ બેઠક યોજાઈ હતી.
''...પૈસા અમે સગેવગે નહી થવા દઈએ''
આ બેઠક બાદ ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ''અમારા આપેલા કામો કાઢી નાખતા અમે વિરોધ નોંધાવ્યો છે, કેટલાક અધિકારીઓએ એમના મળતીઓને કામ આપી દીધું છે, જે બિલકુલ બિન જરૂરી છે. અમે આપેલા કામો લોકઉપયોગી છે, જે કામ નહીં કરવામાં આવે તો ધરણા થશે'' તેમણે કહ્યું કે, ''આ લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે સગેવગે નહી થવા દઈએ''
''...પણ ભગવાન મનસુખ દાદાનું પણ ભલું કરે''
સાંસદ મનસુખ વસાવાના પ્રહાર પર ચૈતર વસાવાએ કહ્યું કે, ''મનસુખભાઇ વસાવા અમારા વડીલ છે પણ હું જેલ માંથી મુક્ત થયો એ એમને બરતરા થતી હશે એવું હું સ્પષ્ટ માનું છું. મનસુખ વસાવા જે કાંઈ બોલે છે સાંસદ છે માટે પૂરતા પુરાવા સાથે બોલતા હશે. જે ઘટના હતી તે મનસુખભાઈએ બેસીને બનાવેલી ઘટના હતી. હું મીટિંગમાંથી ઉતરૂ છું અને મનસુખભાઈ હાજર થઈ જાય છે. મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે, સાથે જ પોલીસ અધિકારીને એવી બંધબેસતી ખોટી FIR બનાવડે છે, જેના કારણે મારે જેલ ભોગવવો પડ્યો છે, પણ ભગવાન મનસુખ દાદાનું પણ ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરૂ છું, પરંતુ કુદરત કોઈને છોડતી નથી''.