Gujarat Tourism: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ચોટીલામાં નવા યાત્રાકાળના યુગની શરૂઆત થવાની છે. અહીં માતા ચામુંડા ના દર્શન માટે ભક્તોને હવે 635 પગથિયાં નહીં ચઢવાના પડે – કારણ કે ચોટીલા ડુંગર પર રાજ્યની સૌપ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ કાર્યરત થવાની છે. આ રાઈડ દ્વારા ભક્તો માત્ર 5 મિનિટમાં ડુંગર ચડીને સીધા મંદિરે પહોંચી શકશે.
માત્ર ₹30માં મા ચામુંડાના દર્શન-
ચોટીલા ટ્રસ્ટ દ્વારા ફ્યુનિક્યુલર રાઈડનું ભાડું માત્ર રૂ. 30 પ્લસ GST નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે માત્ર 30 રૂપિયામાં ભક્તો મંદિર સુધી જઈ પણ શકશે અને પરત પણ આવી શકશે – જે ખાસ કરીને વૃદ્ધો, શારીરિક રીતે અશક્ત અને બીમાર ભક્તો માટે એક વિશેષ સહારો બની રહેશે.
શું છે ફ્યુનિક્યુલર રાઈડ?
ફ્યુનિક્યુલર રાઈડ એક વિશિષ્ટ પ્રકારની કેબલ ટ્રેન છે, જે ઊંચા ઢાળાવાળાં ડુંગર પર જઈ શકે છે. ચોટીલામાં કુલ 12 કોચ કાર્યરત રહેશે – જેમાંથી 6 ઉપર જશે અને 6 નીચે આવશે. દરેક કોચમાં 6 મુસાફરો બેસી શકે છે. આ રાઈડ માત્ર 20 ફૂટના વિસ્તારમાં પગથિયાંની બાજુમાં ચલાવવામાં આવશે.
30% કામ પૂરું – ચૈત્ર નવરાત્રિ સુધી લોન્ચની આશા
પ્રોજેક્ટના 30થી 35% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી ચૈત્ર નવરાત્રિ સુધીમાં આખું પ્રોજેક્ટ પૂરૂં થશે એવી આશા છે. ચોટીલા મહંત શ્રી મનસુખગિરિ ગોસાઈએ જણાવ્યું છે કે પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.
મંદિરની સામગ્રી પણ હવે આસાને પહોંચશે-
હાલમાં ડુંગર પર મંદિર માટેની સામગ્રી, જેવા કે પથ્થર, પૂજાની સામગ્રી વગેરે માનવશ્રમ દ્વારા લઇ જવામાં આવે છે. પરંતુ ફ્યુનિક્યુલર રાઈડ શરૂ થયા બાદ આ બધું સામાન પણ રાઈડ મારફતે સરળતાથી લઇ જવાશે, જે ટેકનિકલ દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ પગલું છે.
ચોટીલાની યાત્રા સંખ્યા:
દરરોજ સરેરાશ 7,000થી 10,000 ભક્તો દર્શનાર્થે આવે છે
ચૈત્ર નવરાત્રિમાં આશરે 2.5 લાખ ભક્તો ઉમટી પડે છે
દિવાળીથી પાંચમ દરમ્યાન સંખ્યા 5 લાખ સુધી પહોંચી જાય છે
ભાઈ બીજના દિવસે વિશેષ ભીડ જોવા મળે છે
ચોટીલા ચામુંડા મંદિર – ભક્તિનું પ્રાચીન કેન્દ્ર
ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક લોકપ્રિય યાત્રાધામ છે, જ્યાં મા ચામુંડા, જે 64 યોગિનીઓ પૈકી એક છે, ડુંગર પર બિરાજમાન છે. અહીંનો ઈતિહાસ ખુબ પ્રાચીન છે. માન્યતા અનુસાર, ચંડ અને મુંડ નામના રાક્ષસોના સંહાર માટે મા ચામુંડાએ અહીં અવતાર લીધો હતો. તેથી આ સ્થળે માતાજીના બે મુખના દર્શન થાય છે.
દરેક પૂનમે ભક્તોનું ઘોડાપૂર-
ચોટીલામાં દર મહિને પૂનમના દિવસે વિશાળ ભક્તજન ઘોડાપૂર ઉમટી પડે છે. ખાસ કરીને કારતક અને ચૈત્ર માસની પૂનમ દરમિયાન સૌથી વધુ ભીડ રહે છે. ગુજરાતના અનેક ગામડાઓમાંથી ભક્તો પગપાળા સંઘ સાથે રથ લઈને દર્શન માટે આવે છે. માર્ગમાં સેવાભાવી મંડળો ભોજન, નાસ્તો, આરામ માટે શિબિરો પણ ઉભી કરે છે – જે ભક્તિ અને સેવા નું ઉત્તમ ઉદાહરણ છે.
આવનારા સમય માટે વિશાળ પરિવર્તન-
આ ફ્યુનિક્યુલર રાઈડ માત્ર ભક્તોને ફિઝિકલ સરળતા આપતી નથી, પરંતુ તેને આધુનિકતા અને પરંપરાની ભવ્યતા સાથે જોડે છે. જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે ચોટીલા યાત્રાધામ ભારતના અદ્યતન તીર્થ સ્થળોની શ્રેણીમાં સ્થાન મેળવી લેશે.