Navratri 2025 Gujarat Weather Update: ખેલૈયાઓ માટે આવ્યાં માઠા સમાચાર. ગરબા રસિકોના પાસના પૈસા જઈ શકે છે પાણીમાં. ગરબા આયોજકોને પણ થઈ શકે છે લાખો રૂપિયાનું નુકસાન. કારણકે, વાતાવરણ ખેલૈયાઓ અને આયોજકો બન્નેની ફેવરમાં નથી. હવામાન વિભાગ દ્વારા આ અંગે મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાઉ અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી.
હવામાન વિભાગે ગુજરાત માટે 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાહેર કરી છે. આ સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. ખાસ કરીને 27 અને 28 સપ્ટેમ્બરના રોજ પવનની ગતિ 30 થી 40 કિમી/કલાક જેટલી રહેવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની તીવ્રતા 60 કિમી/કલાક સુધી જઈ શકે છે.
સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ-
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માટે ખાસ ચેતવણી આપી છે. 30 સપ્ટેમ્બરએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે યેલો એલર્ટ જાહેર કરાયું છે. 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ-
હાલમાં માછીમારો માટે કોઈ તાત્કાલિક ચેતવણી જાહેર નથી, પરંતુ 27 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ઉંચી લહેરો આવવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
તાપમાન સ્થિતિ-
આજના દિવસ માટે અમદાવાદમાં મહત્તમ તાપમાન લગભગ 34°C અને ગાંધીનગરમાં 33°C રહેવાની શક્યતા છે.
સક્રિય વેધર સિસ્ટમ-
હવામાન વિભાગના અનુમાન મુજબ, મહારાષ્ટ્રના મધ્ય ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે મ્યાનમારના દરિયાકાંઠે 25મી સપ્ટેમ્બરથી લો-પ્રેશર એરિયા વિકસવાની સંભાવના છે. આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં ખસી શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી સ્થિતિ વધુ સક્રિય બની શકે છે. ખેડૂત મિત્રો અને દરિયાકાંઠાના રહેવાસીઓને હવામાન વિભાગની સતત અપડેટ મેળવવાની અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ છે.