દેત્રોજ તાલુકાના શેઠ શ્રી એલ.વી. એન્ડ કે.વી. ભાવસાર વિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નિમણુંક મળેલી એક મહિલા પાસેથી લાંચ લેતા સ્કૂલના આચાર્ય અને જુનિયર ક્લાર્કને ACB દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે.
ફરિયાદી મહિલા શિક્ષિકા સરકારે જાહેર કરેલી ટાટ (TAT) પરીક્ષા પાસ કરીને નોકરી માટે પસંદ થઇ હતી. તેમને તા. 29 જુલાઇ 2025 ના રોજ અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે આવેલી શેઠ શ્રી એલ.વી એન્ડ કે.વી. ભાવસાર વિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નિમણુંક મળેલી હતી. તેઓ સ્કૂલમાં હાજર થયા પછી, કડી ખાતે રહેતા સ્કૂલના આચાર્ય કમલેશભાઇ જણાવ્યું કે, “તમે જે શિક્ષકની સીટ પર હાજર થયા છો તેમાં મેં ફેરફાર કરાવ્યો છે અને તેને ઈકોનોમિકલી વીકર સેકશનમાં દાખલ કરી છે. આ કામ નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધાવ્યું છે અને એ માટે તમારે રૂ. 35,000 આપવાના રહેશે.”
આ રીતે લાંચની માંગણી થતા શિક્ષિકા દ્વારા ACB (એન્ટી કરપ્શન બ્યુરો)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. ACBના અધિકારીઓના દરોડા દરમિયાન આચાર્ય કમલેશભાઇએ રૂ. 35,000 લેતા, તે પૈસા દેત્રોજ ખાતે રહેતા સ્કૂલના જુનિયર ક્લાર્ક વિમલભાઇને આપવાનું કહ્યું. ત્યારબાદ વિમલભાઇએ લાંચના રૂપિયા લીધા અને ગુનો સ્વીકારી લીધો, જેને કારણે બંનેને ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.