ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદ વરસતા નવસારી જિલ્લામાં નદીઓમાં પાણીની આવક વધી છે. જેના કારણે જિલ્લાના માર્ગ મકાન હસ્તકના 18 રસ્તાઓ ઓવરટોપિંગને કારણે બંધ થઈ ગયા છે. નવસારી તાલુકાનો 1 રસ્તો, ગણદેવી તાલુકાના 6 રસ્તા, ચીખલી તાલુકાના 3 રસ્તા તેમજ ખેરગામ અને વાંસદા તાલુકાના 4-4 રસ્તા બંધ થતા અનેક ગામોમાં લોકોએ લાંબો ચકરાવો મારીને જવા-આવવાની ફરજ પડી રહી છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત યાતાયાત કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.અંબિકા નદી ઉફાન પર – દેવધા ડેમ ઓવરફ્લો
અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગણદેવી તાલુકાના દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ નજીક રહેતા ગ્રામજનોને તંત્ર દ્વારા સુરક્ષિત રહેવા ચેતવણી આપવામાં આવી છે. એ સાથે દેવધા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ સલામતીના ભાગરૂપે ઘરે મોકલી દેવામાં આવ્યા છે.પૂર્ણા નદીના ચડાવથી ઘરોમાં પાણી
પૂર્ણા નદીમાં પાણી વધતા બીલીમોરા શહેરના ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ધોબી તળાવના દેગામ ચાલ વિસ્તારમાં 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી બગડી ગઈ છે. ઘરોમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંબિકા નદીમાં ભેંસો તણાઈ – ગ્રામજનોમાં ચિંતા
બીલીમોરા નજીક વહેતી અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા અમલસાડ બ્રિજ પાસે ચરવા ગયેલી ભેંસો પાણીમાં તણાઈ ગઈ હતી. આ બનાવને પગલે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. બીજી તરફ અંબિકા નદીના વધતા પાણીના કારણે બીલીમોરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
વડીલોની આંખોમાં આંસુ – તંત્ર ચિંતિત
ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી બગડી ગઈ છે, જેમાં વડીલો ચિંતામાં મુકાયા છે. કેટલાક વડીલોની આંખોમાં આંસુભર્યા અને વેદનાસભર દ્રશ્યો સર્જાયા હતા. ઝડપથી વધી રહેલી નદીની જળસપાટીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.