કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025”નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ૩૮૦ ટકાથી વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે.
કુલ વેલ્યુ 350 બિલિયન ડોલર
દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનોના પરિણામે આજે દેશમાં 1.92 લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને 120થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ 350 બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ 38માં ક્રમે
સ્ટાર્ટઅપ કોન્કલેવની આ બીજી આવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું કે, સતત બે દિવસ ચાલનારા આ કોન્કલેવમાં ભારતને દરેક ક્ષેત્રે સર્વોચ્ચ બનાવવા અને દરેક નાગરિકના જીવનમાં સમયાનુકુળ પરિવર્તન માટે ચિંતા અને ચિંતન થકી સમસ્યાના સમાધાન માટે સાત સત્રોમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે. વર્ષ 2023માં સ્ટાર્ટઅપ કોન્કલેવની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ આ બીજી આવૃત્તિ દેશ-પ્રદેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં વધુ મદદરૂપ પૂરવાર થશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત 91માં ક્રમે હતું, જે વડાપ્રધાનની નિર્ણાયક અને દૂરંદેશી નીતિઓના પરિણામે તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ 2025ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ 38માં ક્રમે પહોંચ્યું છે, જે દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા બતાવે છે. યુવાનોની આ જ ક્ષમતાને પ્રોત્સાહન આપીને આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના 10 દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
''સ્ટાર્ટઅપ્સ પૈકી 37 ટકા સ્ટાર્ટઅપ્સ આ શહેરોમાંથી આવે છે''
ભારતીય જ્ઞાનપ્રણાલીમાં આરોગ્ય, વિજ્ઞાન, ગણિત, દર્શનશાસ્ત્ર સહિત વિવિધ વિષયોનું શ્રેષ્ઠ જ્ઞાન સંચિત થયેલું પડ્યું છે. ત્યારે જ્ઞાનનો આ ખજાનો યુવાનોના નવા સ્ટાર્ટઅપ્સનો મજબૂત પાયો બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાનના શબ્દોને દોહરાવતા કહ્યું હતું કે, ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લમ્સ હશે, પણ તેની સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ પણ છે. આ પ્રકારના આયોજનોથી દેશમાં ઇનોવેશનને વેગ અને દેશના યુવાનોની ક્રિયેટીવીટીને પ્લેટફોર્મ મળશે. જેના પરિણામે યુવાનો પ્રોફિટથી આગળ વધીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સિદ્ધ કરવામાં મહત્તમ યોગદાન આપશે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશના ટીઅર-૨ અને ટીઅર-૩ શહેરોમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા નગણ્ય હતી. આજે દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી 37 ટકા સ્ટાર્ટઅપ્સ આ શહેરોમાંથી આવે છે.
દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી 48 ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી 48 ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. માતૃ શક્તિ-મહિલા ઉદ્યમીઓ પાસે હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઉત્તર -પૂર્વમાં અંદાજે 900 મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ છે જે આત્મનિર્ભર ભારત માટે કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે 17.90 લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે 9,000 જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં વર્ષ 2014થી સ્ટાર્ટઅપને નાણાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત અને બેન્કિંગ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માટે રૂ 10 હજાર કરોડના ફંડ ઓફ ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ લોન મર્યાદા રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવા ઉપરાંત વિવિધ ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પણ સ્ટાર્ટઅપને અનેક પ્રકારે સહાય કરી રહી છે.જેના પરિણામે દરેક સર્જક પોતાનું અલગ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. મેઇક ઈન ઇન્ડિયા અને ૧૪ મુખ્ય ક્ષેત્રમાં PLI લાવીને વિવિધ પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા અને PLIના માધ્યમથી વિશ્વભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. રોકાણકારોની સરળતા માટે દેશમાં 3400થી વધુ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો તેમ તેમણે ઉમેર્યું હતું.