રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા રમેશચંદ્ર ફેફર નામના વ્યક્તિએ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ લાંબા સમયથી એકલવાયું જીવન જીવતા હતા.
પોતાને કલ્કી અવતાર ગણાવતા હતા
જાણવા મળ્યું છે કે રમેશચંદ્ર ફેફર અગાઉ સિંચાઈ વિભાગમાં ઇજનેર તરીકે નોકરી કરતા હતા, પરંતુ રિટાયરમેન્ટ બાદ તેમનું માનસિક સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડતું ગયું. તેમણે પોતાના વ્યક્તિત્વને લઇને વિચિત્ર દાવા કરતા હતા. જેમ કે, તેઓ પોતાને ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર ગણાવતા હતા.
એકલા જ પોતાના બંગલામાં રહેતા હતા
પરિવારજનો સાથેના ઘર્ષણ બાદ તેમની પત્ની અને પુત્ર લંડન સ્થાયી થઇ ગયા અને ત્યાર બાદથી રમેશચંદ્ર ફેફર એકલા જ પોતાના બંગલામાં રહેતા હતા. પરિવારથી દુર થઈ ગયેલા અને માનસિક તબિયત બગડેલી હોવાના કારણે તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા.
પોલીસે તપાસ હાથધરી
તમામ પરિસ્થિતિઓએ મળીને તેમનો માનસિક તણાવ વધી ગયો હોવાનું અનુમાન છે. અંતે એકલતા અને ડિપ્રેશનથી કંટાળીને તેમણે જીવનલીલા સમાપ્ત કરી દીધી. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.