અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજો ઝડપાતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે. એરપોર્ટની એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મળેલી જાણકારીના આધારે વિયેતનામથી આવેલા બે મુસાફરોની ખાસ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને મુસાફરો પાસે પ્લાસ્ટિક બેગમાં વેક્યૂમ પેક કરીને છુપાવવામાં આવેલા અંદાજે 300 કિલોગ્રામ હાઇડ્રોફોનિક (હાઇબ્રિડ) ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા.
શંકાસ્પદ લાગતાં તપાસ હાથ ધરવામાં આવી
આ ગાંજાની કુલ અંદાજિત કિંમત રૂ. 8 કરોડ જેટલી થાય છે. યુનિટને આ મુસાફરોની હરકતો શંકાસ્પદ લાગતાં તેમને રોકી તપાસ શરૂ કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન અને લાવેલ સામાનની સ્કેનિંગ અને મેન્યુઅલ ચેકિંગ દરમિયાન આ નશીલા પદાર્થોની માહિતી મળી આવી હતી. હાલમાં બંને મુસાફરોને કસ્ટડીમાં લઈને તેમની સામે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની
આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી આવા નશીલા પદાર્થોની તસ્કરી રોકી શકાય. અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની આવી મોટી ઝડપ પહેલીવાર સામે આવી છે, જેને લઈને અધિકારીઓ પણ વધુ સજાગ બન્યા છે.