રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના રહેવાસી અનિરુદ્ધસિંહ જાડેજાને અમિત ખૂંટ આત્મહત્યા કેસ સંદર્ભે તાલુકા પોલીસે પુછપરછ માટે બે દિવસના રિમાન્ડ પર લીધો છે. અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી કબજે લઇ, ગઈકાલે ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તાલુકા પોલીસે 2 દિવસનો રિમાન્ડ મંજૂર કરાવ્યો છે. આ દરમિયાન પોલીસે તેના નિવેદનો તથા કેસ સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
આરોપી અતાઉલ્લાહ ખાનની ધરપકડ
અમિત ખૂંટની આત્મહત્યાનો કેસ હવે નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ગોંડલ પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપી અતાઉલ્લાહ ખાનની ધરપકડ પણ કરી છે. અતાઉલ્લાહ ખાનને ઝડપી લઇ, પોલીસે હવે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જેથી ઘટનાના તમામ પાસાઓ સામે આવી શકે છે.
પોલીસે તપાસ તેજ કરી
આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા તપાસમાં તેજી કરવામાં આવી છે અને ક્રમશ સંડોવાયેલા તમામ શખ્સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.