કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતના પ્રવાસે છે. તેમણે રાજકોટ જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કરી 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ ખેડૂતો માટે અકસ્માત વીમા પોલિસીની જાહેરાત કરી હતી. સાથો સાથ અમિત શાહે જૈવિક ખેતી કરવા ખેડૂતોને અપીલ કરી હતી.
''જયેશ રાદડિયાએ આ આયોજન કરી...''
રાજકોટ જિલ્લા બેંક સહિત સાત સહકારી સંસ્થાની સાધારણ સભા અને ખેડૂત મહાસંમેલનમાં અમિત શાહે કહ્યું કે, ''રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાની સાધારણ સભાનું આયોજન છે. 2021માં અમરેલીથી શરૂઆત કરાઈ હતી. આજે રાજકોટમાં જયેશ રાદડિયાએ આ આયોજન કરી સહકારી માળખાને સુદ્રઢ કરવાનું કામ કર્યું છે. જયેશભાઈને હ્ર્દયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપવા માંગુ છું. નરેન્દ્રભાઈ ગુજરાતથી ગયા વડાપ્રધાન બન્યા, બીજી વાર વડાપ્રધાન બન્યા અને 2021માં સહકારી ખાતું બનાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. આપણે નરેન્દ્રભાઈનો આભાર માનીએ''.
''ખેડૂતો માટે મોટી દિવાળીની ભેટ GST ઘટાડીને આપી''
તેમણે કહ્યું કે, ''નવ દિવસ નવરાત્રિની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. પહેલા નોરતે મોટી ભેટ નરેન્દ્ર મોદીજીએ આપી છે. ખેડૂતો માટે મોટી દિવાળીની ભેટ GST ઘટાડીને આપી છે''.
''જયેશ રાદડિયા બેંકને આગળ વધારવા મજબૂત રીતે કામ કરી રહ્યા''
કેન્દ્રીય સહકારીતા મંત્રીએ કહ્યું કે, ''કરોડો ખેડૂતો,માછીમારો, પશુપાલકોને પોતાના પૈસા તેમના ખિસ્સામાં જ જાય તેના માટે કામ થઇ રહ્યું છે. રાજકોટ જિલ્લા બેંક ખાતે બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈએ આ બેંક માટે સેવા કરી છે આગળ વધારી છે. આજે આપણા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા બેંકને આગળ વધારવા મજબૂત રીતે કામ કરી રહ્યા છે''.