Amit Shah Gujarat Visit: ગુજરાત ભાજપમાં મંત્રી મંડળના વિસ્તરણ અને પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાતને લઈને અટકળો વધુ તેજ બની છે. કારણકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ સુરત, રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યના ત્રણ મોટા શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સુરતથી નીકળતા પહેલાં શાહની બોડી લેગ્વેંઝ પણ કંઈક અલગ જોવા મળી. શાહે પાટીલને ઈશારો કરી આગળ બોલાવ્યા અને તેમને નજીકથી કંઈક કહ્યું. બન્ને નેતાઓ સર્કિટ હાઉસ જતાં પણ સાથે જોવા મળ્યા. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાર બાદ અમિત શાહ રાજકોટ જવા રવાના થયા.
આજે પહેલાં નોરતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરતમાં ભાજપના નેતાઓ સાથે બેઠકોનો દૌર ચલાવ્યો. સુરત ભાજપના તમામ ધારાસભ્યો સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ઘરે બેઠક યોજી. ત્યાર બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે પણ ભાજપના અગ્રણી નેતા સાથે અમિત શાહે બેઠકો યોજી. સુરતમાં અમિત શાહના હસ્તે ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાહે મહંતોના આર્શીવાદ લીધાં હતાં. ત્યાર બાદ તેઓએ અમિત શાહે જૈન ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજના દર્શન કર્યા.
સુરતમાં અમિત શાહે યોજી મહત્ત્વની બેઠકોઃ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 તારીખ ને રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ પરથી અમિત શાહ સીધા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું હતું. આ ભોજન દરમિયાન મંત્રીઓ અને પક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું.
રાજકોટમાં શું છે કાર્યક્રમ?
સુરત બાદ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. બપોરે 3 વાગ્યા આસપાસ અમિત શાહ આરડીસી બેંક સહિંત રાજકોટની જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી મહાસંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ આરડીસી બેંકના પૂર્વ ચેરમેનની પ્રતિમાઓનું અનાવરણ પણ કરશે. રાજકોટમાં અમિત શાહ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે મહત્ત્વની બેઠક યોજી શકે છે. કારણકે, જયેશ રાદડિયા ગુજરાતના સહકારી ક્ષેત્રેનું મોટું નામ છે. વિજય રૂપાણીના નિધન બાદ સૌરાષ્ટ્ર ભાજપમાં દિગ્ગજ નેતા તરીકે જયેશ રાદડિયાને પ્રસ્થાપિત કરવા અમિત શાહ રાજકોટ જઈ રહ્યાં હોવાનું પણ મનાય છે. એટલું જ નહીં રાજકોટની આ બેઠક બાદ મંત્રી મંડળના વિસ્તરણમાં જયેશ રાદડિયાને ફરી કેબિનેટમાં મજબૂત ખાતું આપીને વાજતે ગાજતે બિરાજમાન કરવામાં આવશે એવું પણ રાજકીય પંડિતો માને છે.
અમદાવાદમાં શું છે કાર્યક્રમ?
આજે મોડી રાત્રે અમિત શાહ રાજકોટથી અમદાવાદ આવશે. અમદાવાદમાં જોધપુર વોર્ડમાં નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. પછી તેઓ શહેરના સરખેજ વોર્ડમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં રાસ-ગરબામાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ અમદાવાદમાં સરખેજ વોર્ડમાં ઓર્કિડ લેગેસી, શેલામાં આયોજિત નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં પણ અમિત શાહ સ્થાનિક ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજી શકે છે. ખાસ કરીને મંત્રી મંડળના વિસ્તરણમાં શહેરમાંથી બીજા કયા ચહેરાઓને સ્થાન આપવું તેના પરિપ્રેક્ષ્યમાં પણ આ બેઠક મહત્ત્વની માનવામાં આવે છે. જગદિશ વિશ્વકર્મા, ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકરને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.