પોરબંદરના સુભાષનગર નજીક આવેલી જેટી પર એક ગંભીર દુર્ઘટના બની હતી, જ્યારે એક વેપારના માલ ભરેલું વહાણ અચાનક આગની ઝપટે આવ્યું. HRM and Sons નામની જામનગરની કંપનીનું આ વહાણ ચોખા અને ખાંડ લઈને સોમાલિયા જવા માટે તૈયાર કરાયું હતું, ત્યારે અચાનક આગ લાગી ગઈ.
આગ બુઝાવવાનો પ્રયાસ
આ ઘટના સમયે વહાણ લાંગરેલું હતું અને આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા બે ફાયર ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
વહાણમાં મોટો જથ્થો ચોખા ભરેલો હોઈ, આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જ્વાળા અને માલસામાનની જ્વલનશીલતાને કારણે આગ કાબૂ બહાર જતી રહી. તેથી પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા તંત્રએ વહાણને દરિયાના મધ્યમાં ખસેડવાનું સૂચન કર્યું અને તેને દરિયાના અંદરના ભાગમાં લઈ જવામાં આવ્યું હતું.
આસપાસના વિસ્તારમાં મોટા નુકસાનથી બચાવ થયો
આ નિર્ણય દ્વારા આગથી જેટી અને આસપાસના વિસ્તારમાં મોટા નુકસાનથી બચાવ થયો. હાલ આગના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી દરિયાઈ વેપાર અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે.