વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનાઇટેડ વે ગરબા માટે મોટી તૈયારી અને વાયદાઓ કરવામાં આવ્યા હતા, પણ શરૂઆતના જ દિવસે વ્યવસ્થાઓની પોલ ખુલી ગઈ હતી. ભારે જાહેરાતો અને વચનોનાો છાંયો ફિક્કો પડી ગયો હતો. જેના પગલે ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખરાબ વ્યવસ્થાઓ સામે તીવ્ર નારાજગી પણ વ્યક્ત કરી હતી.
આખું મેદાન કીચડમાં ફેરવાઈ ગયું હતું
ગરબા ગ્રાઉન્ડ કાદવ અને કીચડથી ભીંજાયેલું હતું. વરસાદ બાદ યોગ્ય વ્યવસ્થા ન કરાતા આખું મેદાન કીચડથી છલકાઇ ગયું હતું. જેના કારણે ખેલૈયાઓને ગરબા રમવામાં તકલીફ પડી હતી. હાલત એટલી બધી ખરાબ હતી કે, ઘણા ખેલૈયાઓએ ગરબા છોડીને ફૂડ કોર્ટમાં જ ગરબા રમવાનું શરૂ કર્યું હતું.
હાય હાય ના નારા લગાવ્યા
પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ હાય હાય ના નારા લગાવ્યા અને અસંતોષ જાહેર કર્યો હતો. મંચ પર આવેલા અતુલ દાદાની વાત સાંભળવાની પણ ખેલૈયાઓએ ના પાડી અને તેમને અવગણ્યા. વિરોધ અને ઉગ્ર રોષને ધ્યાનમાં લઈ યૂનાઇટેડ વેના સંચાલકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. સંચાલકોએ કહ્યું કે, પ્રથમ દિવસેની સમસ્યાઓને કારણે એક દિવસનું રિફંડ આપવામાં આવશે.
લોકોમાં ભારે નિરાશા જોવા મળી
યુનાઇટેડ વે જેવી પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી આવી અવ્યવસ્થા સામે લોકોમાં ભારે નિરાશા જોવા મળી છે. ખેલૈયાઓની માગ છે કે, આગામી દિવસોમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને કીચડ દૂર કરીને યોગ્ય ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે. જેથી નવરાત્રિનો આનંદ ખરેખર માણી શકાય.