Surat Civil Hospital: હંમેશા કોઈને કોઈક કારણોસર વિવાદોમાં રહેતી સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવરાત્રિના પ્રારંભમાં જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા એક વિચિત્ર હરકત કરવામાં આવી. બળાત્કારી આસારામનો ફોટો મુકીને હોસ્પિટલના સિનિયર ડોક્ટર અને સ્ટાફ દ્વારા તેની પુજા-આરતી કરવામાં આવી. રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામનો ફોટો સરકારી હોસ્પિટલમાં મુકીને તેની પુજા આરતી કરીને અન્ય લોકોને પણ હિપ્નોટાઈઝ કરવાનો પ્રયાસ અહીં થતો હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ બળાત્કારી આસારામની પુજા-આરતી કરવામાં પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડૉ. જિગીષા પાટડિયા સહિતના સ્ટાફના લોકો પણ હાજર હતાં. આ ઘટના સંબંધિત હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને પણ પહેલાંથી કોઈ જાણ નહોતી, જેના કારણે પ્રશાસન પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારે મીડિયામાં કહ્યું કે, આ કાર્યક્રમ માટે તેમની પાસે કોઈ પરમિશન લેવામાં આવી નહોતી અને તેમને આ ઘટના અંગે પહેલાથી કોઈ જાણ પણ નહોતી.
આરતી દરમિયાન મંત્રો અને ભજન પણ થયા-
ઘટના સ્ટેમસેલ બિલ્ડિંગના મુખ્ય દરવાજે ઘટી હતી, જ્યાં કેટલાંક આસારામના અનુયાયીઓએ નવરાત્રિના અવસરે અન્ય દેવતાઓને બદલે આસારામનો ફોટો મૂકીને પૂજા અને આરતી યોજી. આ દરમિયાના ફરજ પરના નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ અને સિનિયર ડોક્ટર પણ ઉપસ્થિત રહેતા વીડિયો સામે આવ્યા છે.
વીડિયો થયો વાયરલ થયો ભારે વિરોધ-
ઘટનાના વીડિયો સ્થાનિક લોકો તથા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા. આસારામને 2018માં જુધા જુધા દુષ્કર્મ કેસોમાં દોષિત ઠેરવીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકાવવામાં આવી હતી. તેમ છતાં જાહેર સરકારી સંસ્થામાં આવી પ્રકારની આરતી બાબતે લોકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે.
આ ઘટના સરકારની સરકારી હોસ્પિટલોમાં ચાલી રહેલી શિસ્ત અને વ્યવસ્થાની હકીકત સામે લાવે છે. એક રેપ દોષિતને "ભગવાન" તરીકે દર્શાવવી અને તેનું જાહેરમાં સ્તુતિગાન સરકારી સ્થળે કરવું એ માત્ર કાનૂની, પણ નૈતિક દ્રષ્ટિએ પણ ગંભીર મુદ્દો છે. જ્યારે દેશ આખો મહિલાઓની સુરક્ષા અને ન્યાયની લડાઈ લડી રહ્યો છે ત્યારે આવી અંધભક્તિ અને શિષ્ટાચારની અવગણના સમાજમાં ખોટા સંદેશો મોકલે છે. સરકાર અને આરોગ્ય વિભાગે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવી જરુરી છે.