શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, જેમાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસો વધ્યા છે. AMC હોસ્પિટલો- અર્બન હેલ્થ સેન્ટરોમાં રોજના 3500થી વધુ દર્દીઓ આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 296, સાદા મેલેરિયાના 104 અને ઝેરી મેલેરિયાના 17 કેસ નોંધાયા છે. આ સિવાય કમળાના 276, ટાઈફોઈડના 259 અને ઝાડા ઉલટીના 186 કેસ નોંધાયા છે.
તેને વધુમાં ઉમેર્યું કે, શહેરના વટવા, મણીનગર અને દાણીલીમડા વિસ્તારમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળો વધે તેવી શક્યતા છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લોરીન અંગે પણ તપાસ કરવામાં આવે છે. 20 સપ્ટેમ્બર સુધીમાં 35221 કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 25 જેટલા પાણીના નમુના ફેલ ગયા છે.
મચ્છરથી થતાં રોગોથી બચવા શું કરાવું
આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ રહે તે મચ્છરો માટે પ્રજનન કેન્દ્ર બની જાય છે. ટાંકી, કૂલર, જૂના ટાયર, ફૂલદાની અને ખુલ્લાં વાસણોમાં પાણી ભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પીવાના પાણીના વાસણો ઢાંકીને રાખવા તેમજ કચરો કે ગંદકી ન જમવા દેવી જરૂરી છે.
મચ્છરથી બચવા માટે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, શરીર પર રેપેલન્ટ ક્રીમ લગાવવી અને સંપૂર્ણ કપડાં પહેરવા નિષ્ણાતો સલાહ આપે છે. બારીઓ અને દરવાજાઓ પર જાળી લગાવી મચ્છર ઘરમાં પ્રવેશ ન કરે તેની તકેદારી રાખવી અનિવાર્ય છે.