Offebeat Exculusive: 2027ના આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને એ પહેલાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટી ઊથલપાથલ થવાની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને મંત્રી મંડળના વિસ્તરણમાં ખાઈબદેલાં ઘરભેગા થશે અને હવે ભાજપે બીજાને મોકો આપવો પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપ હાઈકમાન્ડના આદેશ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી જઈ આવ્યાં પછી હવે સ્થિતિ બદલાઈ રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મંત્રી મંડળ અને પ્રવર્તમાન સ્થિતિ અંગે દિલ્લીમાં જઈને પ્રધાનમંત્રીને વિગતવાર રિપોર્ટ સુપરત કર્યો છે. ત્યારે હવે નવા પ્રધાનમંડળની જાહેરાત બસ ગણતરીના કલાકોમાં થઈ શકે તેવી સ્થિતિ છે. એવી પણ અટકળો તેજ બની છેકે, હાલ કુલ 17 મંત્રીઓ પ્રધાનમંડળમાં સામેલ છે. તેમાંથી કમસેકમ 10થી12 મંત્રીઓ ઘરભેગા થાય તેવી સંભાવના છે. ગુજરાતના મંત્રી મંડળમાંથી કોના પત્તા કપાશે? કયા-ક્યા મંત્રીઓ પર ઘાત છે? કોના-કોના ગરબા ઘરે આવશે? આવા અનેક સવાલો હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
અમદાવાદના નિકોલમાં પીએમ મોદીના રોડ શો બાદ જ ગુજરાતના નવા પ્રધાનમંડળનો ગંજિપો ચીપાઈ ચુક્યો છે. ત્યાર બાદ કેન્દ્રય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં આવીને પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. જેમાં તેમણે સીએમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત પક્ષના વિશ્વાસુ ગણાતા અગ્રણીઓ સાથે સુરતમાં લગભગ 4 કલાક જેટલાં સમય સુધી ગહન ચર્ચા વિચારણા કરી હતી. ત્યાર બાદ ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્લીથી તેડું આવ્યું હતું. દાદાએ પણ અહીં પરિસ્થિતિનો આખો ચિતાર પીએમ મોદી સમક્ષ રજૂ કરી દીધો છે. હવે પરિસ્થિતિ લગભગ કાચની જેમ સ્પષ્ટ થઈ ગઈ છે. ગુજરાતના નવા પ્રધાનમંડળના નામો નક્કી થઈ ચુક્યા છે. માત્ર તેના પર હાઈકમાન્ડની મહોર વાગવાની બાકી છે.
ગુજરાત સરકારનું વર્તમાન મંત્રી મંડળઃ
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓઃ
ભૂપેન્દ્ર પટેલ-(મુખ્યમંત્રી ગુજરાત)- અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય
1) કનુભાઈ દેસાઈ- (ઉર્જા અને નાણામંત્રી)- દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની પારડી વિધાનસભાના ધારાસભ્ય
2) ઋષિકેશ પટેલ- (આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો. ન્યાય તંત્ર તેમજ વૈધાનિક અને સંસદીય બાબતો)- ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભાના ધારાસભ્ય
3) પ્રો.કુબેરભાઈ ડિંડોર- (આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી)- મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય
4) રાઘવજી પટેલ- (કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધોગ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ)- સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય. કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.
5) બળવંતસિંહ રાજપુત- (લઘુ,મધ્યમ અને સૂક્ષ્મ ,કુટીર અને ખાદી અને ગ્રામોધોગ-ઉદ્યોગમંત્રી, નાગરિક ઉડ્ડયન ,શ્રમ અને રોજગાર)-ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના સિધ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય
6) કુંવરજી બાવળીયા-(જળ સંપતિ અને પાણી પુરવઠો ,અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહક અને સુરક્ષા વિભાગના મંત્રી)- સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભાના ધારાસભ્ય
7) મુળુભાઇ બેરા-(પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ મંત્રી)- દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય
8) ભાનુબેન બાબરીયા-(સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી)-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના MLA
--
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીઓઃ
1) હર્ષ સંઘવી-(ગૃહ રાજ્ય, જેલ અને નાગરિક સંરક્ષણ અને સરહદી સુરક્ષા, રમત ગમત યુવક સેવા , બીન નિવાસી ગુજરાતી પ્રભાગ ,સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ વાહન વ્યવહાર મંત્રી)- દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની મજૂરા વિધાનસભાના ધારાસભ્ય
2) જગદીશ વિશ્વકર્મા-(સહકાર, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ , તમામ સ્વતંત્ર હવાલા) લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉધોગ ,કુટીર ,ખાડી અને ગ્રામોધોગ, નાગરિક ઉડયન (રાજ્યકક્ષા ) - અમદાવાદના નિકોલના ધારાસભ્ય
3) પુરુષોતમ સોલંકી-(મત્સ્યોધોગ અને પશુપાલન ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી)-ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય
4) બચુભાઈ ખાબડ-(પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી)-દેવગઢ બારીયાના ધારાસભ્ય
5) મુકેશ પટેલ-(વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી)-સુરતના ઓલપાડના ધારાસભ્ય
6) પ્રફુલ્લ પાનસેરિયા-(સંસદીય બાબતો ,પ્રાથમિક ,માધ્યમિક,અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ)-સુરતની કામરેજ વિધાનસભાના MLA
7) ભીખુસિંહજી પરમાર-(અન્ન અને નાગરિક પુરવઠો તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી)-
સાબરકાંઠાની મોડાસા વિધાનસભાથી ધારાસભ્ય
8) કુંવરજી હળપતિ-(આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગ રાજ્યકક્ષામંત્રી)-માંડવી બેઠક પરથી ધારાસભ્ય
ભાજપથી દૂર થઈ રહ્યો છે લેઉવા પાટીદાર સમાજઃ
વર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણમાં આંતર પ્રહારો ખુબ તેજ બન્યા છે. ઘણાં વર્ષો બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી. સહકારી બેંકોના કાર્યક્રમોમાં અમિત શાહની હાજરી એ ખુબ સુચક છે. શ્રાધ પક્ષ હોવાથી વેઈટ એન વોચની સ્થિતિ હતી. ગુજરાતમાં હવે રિપોર્ટ કાર્ડ લાગૂ પડશે. મંત્રી મંડળમાં હવે જે ધારાસભ્યનું કામ સારું હશે તેને જ મંત્રી મંડળમાં ચાન્સ આપવામાં આવશે. ગુજરાતના રાજકારણમાં કોઈપણ પક્ષ હોય તે ક્યારેય પાટીદાર સમાજની અવગણના કરી શકે નથી. ત્યારે હાલની સ્થિતિને જોઈએ તો લેઉવા પાટીદાર સમાજ ભાજપથી ધીરેધીરે હવે વિમુખ થઈ રહ્યો છે. બીજી તરફ વિજય રૂપાણીના નિધન બાદ સૌરાષ્ટ્રમાં ભાજપ પાસે કહેવા પુરતો હાલ કોઈ સર્વમાન્ય પ્રસ્થાપિત ચહેરો નથી.
સૌરાષ્ટ્ર ભાજપના સૌથી મોટા નેતા તરીકે જયેશ રાદડિયાનો ઉદયઃ
એક નામ એવું છે જે લેઉવા પાટીદાર પણ છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રમાં જેને ભારે દબદબો છે. તેથી તેની અવગણના હવે ભાજપ પણ કરી શકે તેમ નથી. એ નામ છે જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા. અત્યાર સુધી જ્ઞાતિવાદી ગણિત હતું પરંતુ વિસાદરમાં જે થયું એમાં ગોપાલ ઈટાલિયાની જીતથી હવે ભાજપમાં રખવાટ ઉભો થયો છે. જૂના લેઉવા પાટીદાર ચહેરાઓ હવે માર્કેટમાં ચાલી નથી રહ્યાં. ત્યારે તેની સામે કોઈ એક ચહેરો જે પ્રસ્થાપિત થઈ શકે તેવો હોય તો એ એક માત્ર જયેશ રાદડિયાનો છે. તેથી જયેશ રાદડિયાને લાલ સાફો પહેરાવીને ગુજરાતના મંત્રી મંડળમાં મજબૂત ખાતુ આપીને કેબિનેટમાં મોભાદાર સ્થાન આપવું એ હવે ભાજપની મજબૂરી બની ગઈ છે. એના માટે ની પતાવટ માટે જ અમિત શાહ રાજકોટ ગયા હોવાનું પણ રાજકીય સુત્રો જણાવી રહ્યાં છે. રાજકોટની જિલ્લા બેંકની સામાન્ય સભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું આગમન આ પરિપેક્ષ્યમાં ખુબ સુચક છે. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ઘરે અમિત શાહે ચાર કલાક જેટલી બેઠક કરી. જેમાં સી.એમ. અને ગૃહ રાજ્ય મંત્રી સહિત પક્ષના કેટલાંક નેતાઓ અને સુરતના ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. આ બધી જ પરિસ્થિતિ નવા મંત્રી મંડળના નામેની ગણના માટે ની એક્સરસાઈઝ માટે જ હોવાનું રાજકીય પંડિતો પણ માને છે.
ભાજપ હાઈકમાન્ડ માટે ગુજરાતના પ્રધાનમંડળમાં સૌથી વિશ્વનીય ચહેરાઓઃ
(આ ચહેરાઓ મંત્રી મંડળમાં યથાવત રહેવાની પ્રબળ શક્યતા છે.)
1) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
2) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
3) સહકારિતા મંત્રી જગદિશ વિશ્વકર્મા
4) આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
5) ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
ઉપરોક્ત પાંચ નામો હાલ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ગુડ લીસ્ટમાં સામેલ છે. તેમાંથી ખાસ કરીને હર્ષ સંઘવી અને જગદિશ વિશ્વકર્માને આ વખતે મંત્રી આ વખતે રાજ્યકક્ષામાંથી કેબિનેટ કક્ષામાં પ્રમોશન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત જયેશ રાદડિયા રોજગાર, જળ સંપાદન, કૃષિ અને સહકાર જેવા દમદાર પોટફોલિયો સાથે ફરી એકવાર કેબિનેટમાં એન્ટ્રી કરે તેવી પણ સંભાવનાઓ તેજ બની છે. જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ફરી એકવાર મજબૂત પોર્ટફોર્લિયો સાથે સરકારના કેબિનેટમાં ગોઠવાય તેવી શક્યતાઓ હાલ ઉભી થઈ છે.
--
મંત્રી મંડળમાં કોને મળશે મોકો?
જયેશ રાદડિયા
અર્જૂન મોઢવાડિયા
સી.જે. ચાવડા
શંકર ચૌધરી
જીતુ વાઘાણી
હિરા સોલંકી
અમિત શાહ
કૌશિક વેકરિયા
ઉદય કાનગઢ
રિવાબા જાડેજા
સંગીતા પાટીલ
અમિત ઠાકર
મહેશ કસવાલા
--
મંત્રી મંડળમાંથી કોના-કોના પત્તા કપાશે?
1) બચુ ખાબડ
2) પુરુષોતમ સોલંકી
3) કુંવરજી બાવળિયા (કોળી સમાજના અગ્રણી)
4) રાઘવજી પટેલ
5) કનુ દેસાઈ (નાણામંત્રી)
6) કુબેરભાઈ ડિંડોર
7) ભીખુસિંહ પરમાર
8) ભાનુબેન બાબરિયા
9) મુકેશ પટેલ
10) કુંવરજી હળપતિ
11) પ્રફુલ્લ પાનસેરિયા
12) મુળુભાઇ બેરા
ઉલ્લેખનીય છેકે, હાલ કુલ 17 ચહેરાઓ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં છે. જેમાં ભાજપ હાઈકમાન્ડની એટલે કે, પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની સૌથી વધારે નજીક સીએમ ભૂપેન્દ્ર પટેલ અને બીજા હર્ષ સંઘવી છે. આ ઉપરાંત જગદિશ વિશ્વકર્મા પણ હાઈકમાન્ડની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. ઋષિકેશ પટેલે પણ સરકારની શાખ ટકાવી રાખવા અને હાઈકમાન્ડ સાથે ઘરોબો કેળવી રાખવા સારી મહેનત કરી છે. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ સતત પ્રજાની વચ્ચે રહીને ફરી એકવાર મંત્રી મંડળમાં એક્ટીવ થવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જે પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાવી થઈ રહી છે એ જોતા ભાજપે હવે એક્ટીવ નેતાઓ અને પ્રજામાં જેની છબિ સારી હોય અને સારું કામ કરી શકે તેવા નેતાઓ હોય તેમને મંત્રી મંડળમાં સ્થાન આપશે એ વાત નક્કી છે. જેમાં જૂના નેતાઓની હકાલપટ્ટી કરીને યુવા ચહેરાઓને પ્રાધાન્ય મળી શકે છે. જોકે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનો આ યાદીમાં દૂર-દૂર સુધી ક્યાંય પણ સમાવેશ થાય તેવું લાગતું નથી.