Chaitar Vasava News: લાફાકાંડ બાદ વિવિધ કલમો હેઠળ જેલમાં બંધ ચૈતર વસાવાને 80 દિવસ બાદ ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યાં છે. જેને પગલે ચૈતર વસાવા આજે 80 દિવસના જેલવાસ બાદ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યાં છે. કોર્ટ દ્વારા એવી શરત રાખવામાં આવી છેકે, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મતવિસ્તારમાં 1 વર્ષ સુધી જઈ શકશે નહીં. જોકે, ચૈતર વસાવાએ એમ પણ કહ્યુંકે, આ મુદ્દે તેઓ સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાશે. જનતા માટેની લડત આગળ પણ ચાલુ રહેશે.
જેલમુક્તિ બાદ ચૈતર વસાવાએ કહ્યું- ભાજપ મારાથી ડરે છે. તેથી તેઓ પોલીસ અને પ્રશાસનનો દૂરઉપયોગ કરીને મારા પર ખોટી કલમો લગાવીને મને ફસાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ જનતાએ આપેલો અવાજ છે જે ક્યારેય દબાયો નથી અને દબાશે નહીં. સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય ક્યારેય પરાજીત થતું નથી.
જેલમુક્તિ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ ઉપસ્થિત રહ્યાં. આ સાથે જેલ બહાર ચૈતર વસાવાના સ્વાગત માટે AAP નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
જેલમુક્તિ બાદ ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતુંકે, હું આદિવાસી વિસ્તાર અને સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવીશ. ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મારી ફરિયાદ લેવામાં આવી નહીં, મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો હતો. મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ છે.
ચૈતર વસાવાએ એમ પણ જણાવ્યુંકે, અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં. ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં. તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે. 307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી, શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી?
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતુંકે, જનતાનો અને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે સૌનો આભાર, સાથે મળીને આગળ વધતા રહીશું. પોસ્ટ મેટ્રિક, શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવ્યા માટે મને ખોટા કેસમાં ફસાવ્યો હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.