logo-img
The First Encounter In The Capital Of Gujarat Like A Thriller Film

'Jolly LLB 2'ની જેમ ગુજરાતની રાજધાનીમાં પહેલું એન્કાઉન્ટર! : જાણો કેવી રીતે થયું બર્થ ડે બોયની હત્યા કરનાર સાયકો કિલરનું એન્કાઉન્ટર

'Jolly LLB 2'ની જેમ ગુજરાતની રાજધાનીમાં પહેલું એન્કાઉન્ટર!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 25, 2025, 07:06 AM IST

The first encounter in the capital of Gujarat: ગાંધીનગરના અડાલજની કેનાલ પર અડધી રાત્રે ગર્લફ્રેન્ડને લઈને બર્થ ડે મનાવવા ગયેલાં મોડેલ યુવકની હત્યા કરનાર સાયકો કિલરનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરના ઈતિહાસનું આ અત્યાર સુધીનું સૌથી પહેલું પોલીસ એન્કાઉન્ટર છે. જ્યાં બનાવ બન્યો હતો ત્યાં જ કઈ રીતે થયું આરોપીનું એન્કાઉન્ટર? પોલીસ ગિરફ્તમાં આવેલો આરોપી ફરી કઈ રીતે પહોંચ્યો ઘટના સ્થળ પર? પોલીસે કેમ કરવું પડ્યું આરોપીનું એન્કાઉન્ટર? આખરે 24 તારીખની સાંજ અંબાપુરની કેનાલ પર શું ઘટના બની હતી? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે.


ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પહેલી વખત થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં બુધવાર, 24 સપ્ટેમ્બર, 2025ના રોજ લૂંટ અને હત્યાના આરોપી વિપુલ પરમારને અંબાપુર નર્મદા કેનાલ પાસે ઠાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના એક થ્રિલર ફિલ્મ જેવા દ્રશ્યો સમાન બની હતી. લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનાર આરોપીને બનાવના ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રાઈમ સ્પોર્ટ પર લઈને આખરે ક્રાઈમ સીન કઈ રીતે બન્યો હતો, તેનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ આરોપીને ઘટના સ્થળ પર લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ તે સમયે પોલીસની રિવોલ્વર છિનવીને આરોપીએ પોલીસ પર જ ફાયરિંગ કરી દીધું હતું. જેમાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. જેમાં સેલ્ફ ડિફેન્સમાં પોલીસે પણ સામે ગોળીબાર કરવો પડ્યો હતો. આ એન્કાઉન્ટરમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનાર સાયકો કિલર વિપુલ પરમારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. એન્કાઉન્ટરની આ ઘટનામાં કેટલાંક અંશે 'Jolly LLB 2' ફિલ્મના જેવી જ કહાની જોવા મળે છે. એ ફિલ્મમાં પણ કંઈક આજ પ્રકારે આરોપીના એન્કાઉન્ટરના કહાની દર્શાવવામાં આવી છે. રિલ લાઈફની આ કહાની રિયલ લાઈફની આ ઘટના સાથે કેટલાંક અંશે મળતી આવે છે. જાણો એન્કાઉન્ટરની સિલસિલાબંધ વિગતો આખરે આરોપી પર ફાયરિંગ કરવા કેમ મજબૂર બની આપણી પોલીસ...


આજે ગાંધીનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાશે-

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સાઈકો કિલરની ડેડબોડી રાખવામાં આવી છે. પોલીસે કેનાલ વિસ્તારને કોર્ડન કરી રાખી પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. આજે ફોરેન્સિક ટીમને સાથે રાખીને પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.


જાણો શું હતો સમગ્ર મામલોઃ

ગાંધીનગર જિલ્લાના અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે મોડી રાતે બનેલી લૂંટ-વિથ મર્ડરની ઘટનાએ ચકચાર જગાવી હતી. 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતો એક મોડેલ યુવક વૈભવ મનવાણી પોતાની ગર્લફ્રેન્ડને લઈને અડાલજ નજીકની અંબાપુર કેનાલ પાસે બર્થ ડે સેલિબ્રેશન માટે ગયો હતો. જ્યાં યુવક અને યુવતી કારમાં બેઠાં-બેઠાં અવાવરું જગ્યાએ અંગત પળો માણી રહ્યાં હતાં. એ સમયે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારુંએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. જ્યારે હુમલાખોરે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. લૂટારો રોકડ, મોબાઇલ અને અન્ય મતા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો, જોકે થોડે દૂર કાર બંધ થઈ જતાં મૂકીને નાસી છૂટ્યો હતો.


રીકન્સ્ટ્રક્શન માટે આરોપીને લાવવામાં આવ્યો-

20 સપ્ટેમ્બરે આરોપીએ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો. 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરથી વિપુલ પરમારની ધરપકડ કરી તેનો કસ્ટડી ગાંધીનગર LCBને સોંપવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરે સવારે, પોલીસ આરોપીને ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઇ ગઈ હતી. જ્યાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. નિયમાનુસાર ક્રાઈમ સીનના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈને LCB PI દિવાનસિંહ વાળા, PI હાર્દિક પરમાર સહિત બે ટીમ અલગ-અલગ ગાડીઓમાં ગઈ હતી.


પોલીસની ગાડી ધીમી પડતાં આરોપીએ શું કર્યું જાણોઃ

પોલીસના જણાવ્યા મુજબ જેમ જ ગાડી અંબાપુર કેનાલ નજીક ધીમી પડી, આરોપી વિપુલ પરમારે પોતાની જમણી બાજુ બેઠેલા PSI પાસેથી રિવોલ્વર ઝૂંટવી લીધી અને ડાબી બાજુ બેઠેલા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પર ફાયરિંગ કર્યું. ગોળી રાજેન્દ્રસિંહના કોણીના ઉપર વાગી અને PSIની કાનપટ્ટીની બાજુથી પસાર થઈ આગળના કાચ તોડી બહાર નીકળી હતી. જેમાં કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.


પછી ફિલ્મી સીનની જેમ આરોપી ગાડીમાંથી બહાર નીકળ્યો, ફરીથી ફાયરિંગ શરૂ કર્યુંઃ

હાથકડી સાથે આરોપી ગાડીના દરવાજા ખોલી બહાર નીકળ્યો અને પાછળ આવતી પોલીસ ગાડી પર આડેધડ ગોળીબાર શરૂ કર્યો. ત્રણથી વધુ રાઉન્ડ ફાયર કર્યા બાદ આરોપી નજીકની ઝાડીઓ તરફ ભાગી ગયો. પોલીસ પણ તેને પીછો કરતી રહી.


પોલીસે પોતાને બચાવવા ફાયરિંગ કર્યું, જેમાં આરોપી ઠાર થયોઃ

આરોપી સતત ફાયરિંગ કરતો રહેતા PI વાળા અને PI પરમારે સર્વિસ રિવોલ્વરથી જવાબી ફાયરિંગ કર્યું. શરૂઆતમાં આરોપીના પગમાં ગોળી વાગી, છતાં તે ઝાડીઓમાં ભાગી ગયો. ત્યારબાદ આરોપીના કમર અને પીઠના ભાગે ફાયરિંગ કરાયું. આખરે, આરોપી રોડથી લગભગ 30 મીટર દૂર ઢળી પડ્યો. 108 એમ્બ્યુલન્સ ટીમે તપાસ કરતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. એન્કાઉન્ટરની ઘટના બાદ એફએસએલ અને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સાયકો કિલર વિપુલ પરમાર કોણ હતો?

પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી વિપુલ પરમાર અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યો છે. તેણે પહેલા પણ પ્રેમી-પંખીડાં પર હુમલાઓ કર્યા હતા. 2021માં એક યુગલ પર છરીથી હુમલો કરીને યુવકની હત્યા કરી હતી. હાલની ઘટનામાં 20 સપ્ટેમ્બરના રોજ પણ એક યુગલ પર હુમલો કરીને યુવકની હત્યા અને યુવતીને ઘાયલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિપુલ પરમાર માનસિક રીતે અસ્વસ્થ અને લગ્ન ન થવાના કારણે ચિંતિત રહેતો હતો. તેના લગ્ન ન થતા અને સાવકી માતાના ભેદભાવથી ઉશ્કેરાયેલો રહેતો હતો. સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટ પર પણ પોતાનું પ્રોફાઇલ બનાવ્યું હતું, પરંતુ કોઈ યુવતી સાથે લગ્ન ન થઈ શકતા માનસિક રીતે ત્રસ્ત બન્યો હતો.


પોલીસના જણાવ્યા મુજબ, આ એન્કાઉન્ટર સંપૂર્ણ રીતે સ્વ-બચાવની સ્થિતિમાં થયું છે. આ એન્કાઉન્ટરમાં સામસામે થયેલાં ફાયરિંગમાં કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહની હાલત ગંભીર છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીના પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક પેનલ બનાવવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. તમે અક્ષયકુમારની ફિલ્મ Jolly LLB 2 જોશો તો એકવાર તો તમને જરૂર આ એન્કાઉન્ટર સાથે મળતી જ કહાની નો વિચાર આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now