નવસારીમાં યુવતી સાથે દુષ્કર્મનો ગંભીર કેસ સામે આવ્યો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપનો કાર્યકર્તા જય સોનીએ લગ્નની લાલચ આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી અને આરોપીએ તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ આરોપીના માતા–પિતાએ પણ યુવતી સાથે ગેરવર્તન કર્યું હોવાનું યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે યુવતીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે જય સોની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ આરોપી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો અને પોલીસની પકડથી બચવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેને આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી.
લાંબા સમયથી ફરાર રહેલા ભાજપના મીડિયા સેલના ભૂતપૂર્વ કન્વીનર જય સોનીએ આખરે પાંચ મહિના બાદ શરણાગતિ સ્વીકારી હતી. SC-ST સેલના DySP સમક્ષ હાજર થઈ તેણે પોતાનું સમર્પણ કર્યું, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઈને નવસારીમાં ચકચાર મચી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.