Home Gujarat Stone Pelting At Navratri Garba In Gandhinagars Bahiyal Sparks Violence And Tension

ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ : ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, પોલીસ પર હુમલો

ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
Published by: OBS Bureau
Last Updated: Sep 25, 2025, 05:59 AM IST

ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, આગચંપી અને દુકાનમાં તોડફોડ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. અથડામણને લઈને એમ ચર્ચા ચાલી રહી છે કે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બે જૂથ વચ્ચેની અથડામણ થઈ હતી. સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે અને પેટ્રોલીંગ હાથ ધરાયું છે.

આ હિંસક અથડામણમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે 60 શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે તથા SRPની બે કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે.

ગરબામાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી

દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા રમઝટ ચાલી રહી હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે ન જેવી બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાયો જેથી નાસભાગ મચી હતી. તો બીજી બાજુ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો

બહિયલ ગામમાં જૂથ અથડામણના સમાચાર મળતા ઘટનાસ્થળે પહોંચતા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા

આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now