Gujarat Police: ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયાનો મહત્વનો તબક્કો એટલે કે શારીરિક કસોટી પૂર્ણ થઈ છે અને તેનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે.
ભરતી પ્રક્રિયાની મહત્વની વિગતો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી અંતર્ગત શારીરિક કસોટીની શરૂઆત 21 જાન્યુઆરી, 2026ના રોજ થશે. રાજ્યના કુલ 15 કેન્દ્રો પર દોડનું આયોજન થયું હતું. અંદાજે 10 લાખ ઉમેદવારોએ દોડમાં ભાગ લીધો હતો. કુલ 1.10 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાંથી 1.10 લાખ લોકો ઉત્તિર્ણ થયા હતા.
કેવી રીતે ચેક કરવું પરિણામ?
ભરતી બોર્ડ દ્વારા પારદર્શિતા જાળવવા માટે પુરુષો, મહિલાઓ અને માજી સૈનિકો માટે અલગ-અલગ લિંક ઉપલબ્ધ કરાવી છે. ઉમેદવારોએ પોતાની કેટેગરી મુજબ નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. જેમાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. તમારી કેટેગરી (Male/Female/Ex-Servicemen) મુજબની લિંક પસંદ કરો. પીડીએફ ફાઈલમાં તમારો રોલ નંબર અથવા નામ સર્ચ કરો. આ પ્રક્રિયામાં RFID Lap Data અને CCTV ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ કે ગેરરીતિને અવકાશ ન રહે.
આગામી લક્ષ્ય: 14 જૂને લેખિત પરીક્ષા
જે ઉમેદવારોએ શારીરિક કસોટીમાં સફળતા મેળવી છે, તેઓએ હવે લેખિત પરીક્ષા માટે કમર કસવાની રહેશે. પરીક્ષાની તારીખ 14 જૂન, 2026 (રવિવાર) છે. ઉમેદવારો પાસે હવે મર્યાદિત સમય છે, તેથી બોર્ડ દ્વારા વહેલી તકે તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
વાંધા અરજી અને રજૂઆત
જો કોઈ ઉમેદવારને પોતાના પરિણામ અથવા શારીરિક માપદંડ (ઊંચાઈ વગેરે) અંગે કોઈ વાંધો હોય, તો તેઓ જરૂરી દસ્તાવેજો સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી શકે છે. ધ્યાન રહે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ કરવામાં આવેલી કોઈ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર ખોટી માહિતી આપતા અથવા ગેરરીતિ કરતા પકડાશે, તો તેમની ઉમેદવારી તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવશે.





