અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ચાંગોદર વિસ્તારમાં માનવ સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતા એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક ગેંગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે એકત્રિત કરવામાં આવતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ ભેળસેળયુક્ત અને કથિત નકલી પ્લાઝમા સપ્લાય કરતી હતી. આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસ અનુસાર આ ગેરકાયદેસર નેટવર્ક છેલ્લા 6 મહિનાથી સક્રિય હતું અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન અસલી પ્લાઝમા બદલવાની સુનિયોજિત પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. આ ઘટનાએ બ્લડ પ્લાઝમાના સંગ્રહ, પરિવહન અને ઉપયોગની સમગ્ર વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: 100 જેટલા લોકો સાથે લોનની લાલચ આપી છેતરપિંડીનો આક્ષેપ : SBI મેનેજર સહિત અનેક લોકો સામે કાર્યવાહી માંગતી જિલ્લા કલેક્ટરને રજૂઆત
બાતમીના આધારે ચાંગોદરમાં રેડ
અમદાવાદ ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે ચાંગોદર નજીકના વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં નકલી પ્લાઝમા બનાવવાનું ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી નકલી પ્લાઝમા તૈયાર કરવા માટે વપરાતું સાધનસામગ્રી અને અન્ય સામગ્રી મળી આવી હતી. તપાસને આગળ વધારતા પોલીસે મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)ની ધરપકડ કરી હતી.
રૂ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં રૂ. 11 લાખની કિંમતના 1,150 બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલો, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતું વાહન સામેલ છે. તપાસમાં જપ્ત કરાયેલા પ્લાઝમા યુનિટ્સ અને અન્ય સામગ્રીનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવશે, જેથી તેમાં કયા પ્રકારનું પ્રવાહી ભરવામાં આવતું હતું અને તેનો ઉપયોગ ક્યાં સુધી થયો હતો તેની ચોક્કસ માહિતી મેળવી શકાય.
પૂર્વ ફાર્મા એક્ઝિક્યુટિવે રચ્યું કૌભાંડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હતો. આ કારણે તેને બ્લડ પ્લાઝમાના સંગ્રહ, પરિવહન અને સપ્લાય ચેઇન અંગે સંપૂર્ણ જાણકારી હતી. આરોપી દિનેશે પ્લાઝમા પરિવહન સાથે સંકળાયેલા ડ્રાઇવર જીતેન્દ્ર સોલંકી અને કો-ડ્રાઇવર રફીક સાથે મળીને કથિત કાવતરું ઘડ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલ અસલી પ્લાઝમા કંપની સુધી પહોંચે તે પહેલાં વાહન દિનેશના સ્થાને લઈ જવામાં આવતું હતું. ત્યાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાઝમા યુનિટ્સ કાઢી લેવામાં આવતા અને તેની જગ્યાએ કથિત રીતે સલાઈન વોટર અથવા અન્ય પ્રવાહી ભરેલા યુનિટ્સ મૂકવામાં આવતા હતા.
આ પણ વાંચો: પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાને મોટી રાહત : સરકાર દ્વારા કાર્યવાહી પરત ખેંચાઈ
ચોરાયેલો પ્લાઝમા અડધી કિંમતે વેચાતો હતો
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે આરોપીઓ ચોરાયેલા અસલી પ્લાઝમાને બજારભાવ કરતાં લગભગ 50 ટકા ઓછી કિંમતે વિવિધ બ્લડ બેન્કો અથવા અન્ય ખરીદદારોને વેચી દેતા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ચોરાયેલા પ્લાઝમાના સંગ્રહ માટે જરૂરી તાપમાન જાળવવામાં આવતું નહોતું. સામાન્ય રીતે પ્લાઝમાને નિયત ઠંડકવાળા વાતાવરણમાં રાખવું જરૂરી હોય છે, પરંતુ આરોપીઓ તેને સામાન્ય આઈસ બોક્સમાં રાખતા હતા. જેના કારણે પ્લાઝમા બગડી જવાની અને તેનો ઉપયોગ દર્દીઓ માટે જોખમી બનવાની શક્યતા વધી જતી હતી.
દર્દીઓના જીવ માટે ગંભીર જોખમ
બ્લડ પ્લાઝમા માનવ રક્તનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. તેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન અને ક્લોટિંગ ફેક્ટર જેવી મહત્વપૂર્ણ દવાઓના ઉત્પાદન માટે થાય છે. આ દવાઓ કેન્સર, હિમોફિલિયા અને વિવિધ પ્રકારના ઇમ્યુન ડિસઓર્ડરથી પીડાતા દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાય છે. જો પ્લાઝમાની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં આવે અથવા તેની જગ્યાએ અન્ય કોઈ પ્રવાહી ભરવામાં આવે તો તે માત્ર દવાઓની અસરકારકતા ઘટાડે જ નહીં, પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ પણ ઊભું કરી શકે છે. નિષ્ણાતોના મતે આવા કેસોમાં સંક્રમણ, સારવાર નિષ્ફળ જવાની સ્થિતિ અથવા અન્ય આરોગ્ય સંબંધિત જટિલતાઓ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: પંચમહાલમાં દારૂના મુદ્દામાલ કૌભાંડનો પર્દાફાશ : કાંકણપુર પોલીસ સ્ટેશનના હોમગાર્ડ સહિત 5ની ધરપકડ
તપાસનો વ્યાપ વધારાયો
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે નકલી પ્લાઝમા કઈ કઈ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સુધી પહોંચ્યું, કેટલા યુનિટ્સ બજારમાં ગયા અને શું કોઈ દર્દી સુધી આ સામગ્રી પહોંચી હતી કે નહીં. સાથે જ આરોપીઓના નાણાકીય વ્યવહારો, સપ્લાય ચેઇન અને અન્ય સંભવિત સહયોગીઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. આ કેસને માત્ર આર્થિક ગુનો નહીં પરંતુ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલ ગંભીર ગુનો માનવામાં આવી રહ્યો છે. તપાસના આગામી તબક્કામાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





