વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરી ખાતે આજે કેટલાક અરજદારો દ્વારા ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે લોન અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફોસલાવી તેમના દસ્તાવેજો મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના નામે લોન મંજૂર કરાવી નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરવામાં આવી હતી.
અરજદારોના જણાવ્યા અનુસાર તેઓ વડોદરા શહેરના રહેવાસી છે અને તેમને વિવિધ પ્રકારની લોન અપાવવાના વાયદા કરવામાં આવ્યા હતા. આ માટે તેમની પાસેથી ઝેરોક્સ દસ્તાવેજો તેમજ અન્ય જરૂરી કાગળો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક દસ્તાવેજો પર સહી પણ કરાવવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ પણ વાંચો: ગુજરાતના બાળકોની સર્જનાત્મકતાને મળશે 'પેટન્ટ'ની પાંખો : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ શરૂ કર્યો 'કિડનોવેશન' પ્રોજેક્ટ
SBIના મેનેજર સહિત અનેક લોકો સામે આક્ષેપ
જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજીમાં નરેન્દ્ર સાવંત, અનિલ શીર્કે સહિત અન્ય કેટલાક વ્યક્તિઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર કૃણાલ પરીખનું નામ પણ રજૂઆતમાં સામેલ કરવામાં આવ્યું છે. અરજદારોનો દાવો છે કે આ તમામ લોકોએ પરસ્પર મળતાવળથી તેમના નામે લોન મંજૂર કરાવી હતી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોનની રકમ સીધી લાભાર્થીઓને મળવાને બદલે કેટલાક વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેના કારણે અનેક લોકો દેવાના બોજ હેઠળ આવી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આશરે 100 લોકો ભોગ બન્યાનો દાવો
અરજદારોના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલામાં માત્ર થોડા લોકો નહીં પરંતુ આશરે 100 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું તેઓ માને છે. તેમણે જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે લોકોના ખાતાઓમાં લોનની રકમ જમા થઈ હોય તે નાણાં પરત મેળવી ભોગ બનનારાઓના ખાતામાં જમા કરાવવામાં આવે. રજૂઆતમાં સંડોવાયેલા લોકોની મિલકતો, બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી કરવામાં આવે તો વધુ લોકોને નુકસાન થતું અટકાવી શકાય.
આ પણ વાંચો: પ્રવેશોત્સવ પહેલાં જ ‘હાઉસફુલ’ થઈ વડોદરાની સરકારી શાળા : બહાર લાગ્યું ‘નો એડમિશન’નું બોર્ડ
તપાસ બાદ જ સ્પષ્ટ થશે હકીકત
આ સમગ્ર મામલે હાલમાં અરજદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે સંબંધિત પક્ષોની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેમજ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અરજીના આધારે સંબંધિત વિભાગોને તપાસ સોંપવામાં આવે છે કે નહીં અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે. જો તપાસમાં રજૂઆતમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય તો મામલો મોટા પાયે નાણાકીય છેતરપિંડીનો બની શકે છે. બીજી તરફ, સંબંધિત તમામ પક્ષોની વાત સાંભળ્યા બાદ અને સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવી શકશે.






