Home Gujarat Vadodara Vadodara Kavi Dula Kag Primary School No Admission Board Pm Shri

પ્રવેશોત્સવ પહેલાં જ ‘હાઉસફુલ’ થઈ વડોદરાની સરકારી શાળા : બહાર લાગ્યું ‘નો એડમિશન’નું બોર્ડ

Kavi Dula Kaag School
Published by: Suman Dabhi
Last Updated: Jun 23, 2026, 06:46 AM IST

Kavi Dula Kaag School : ગુજરાતમાં 23થી 25 જૂન દરમિયાન યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ 2026 પહેલાં જ વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. શાળામાં નવા પ્રવેશ માટેની તમામ બેઠકો ભરાઈ જતાં મુખ્ય દરવાજા બહાર ‘નો એડમિશન’નું બોર્ડ લગાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગુણવત્તાસભર શિક્ષણ માટે ખાનગી શાળાઓ તરફ માતા-પિતાની પસંદગી રહેતી હોય છે, પરંતુ વડોદરાની આ સરકારી શાળાએ પોતાની શૈક્ષણિક ગુણવત્તા, આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસના મોડલથી અલગ ઓળખ ઉભી કરી છે.

શાળા પ્રવેશોત્સવ પહેલાં જ તમામ બેઠકો ભરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એકપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તેવો છે. પરંતુ વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલાં જ તમામ બેઠકો ભરાઈ જતાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરવી પડી છે.

શાળામાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે માતા-પિતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને લાંબી વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર થાય છે. આ સ્થિતિ શાળા પ્રત્યે લોકોના વિશ્વાસ અને તેની ગુણવત્તાસભર કામગીરીનું પ્રતિબિંબ માનવામાં આવે છે.

PM SHRI યોજના હેઠળ મળ્યો વિશેષ દરજ્જો

વર્ષ 2010માં સ્થાપિત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા સતત ઉત્તમ શૈક્ષણિક પરિણામો અને નવીન અભિગમના કારણે રાજ્યભરમાં આગવી ઓળખ ધરાવે છે. શાળાને કેન્દ્ર સરકારની પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM SHRI) યોજનામાં પણ સ્થાન મળ્યું છે.

PM SHRI યોજના હેઠળ શાળામાં વધુ આધુનિક સુવિધાઓ અને સંસાધનો ઉપલબ્ધ થશે, જેના કારણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સુવિધાઓ

આ શાળામાં ત્રણ ઇમારતો અને કુલ 24 વર્ગખંડો છે, જ્યાં હાલમાં 1,700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં એર-કન્ડિશન્ડ કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, આધુનિક પુસ્તકાલય, ઇન્ટરેક્ટિવ પેનલથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમતના મેદાનો, ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરિયાળું કેમ્પસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

PM SHRI યોજનાના ભાગરૂપે શાળાને વધારાના નવ વર્ગખંડો પણ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સંખ્યા 2,000થી વધુ પહોંચવાની શક્યતા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓનો દબદબો

શૈક્ષણિક ક્ષેત્રે કવિ દુલા કાગ શાળાના વિદ્યાર્થીઓ સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. NMMS, PSE, CET અને જ્ઞાન સાધના જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે.

શાળા માત્ર અભ્યાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કિલ્સ, નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસના વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ જ કારણ છે કે શાળા દર વર્ષે માતા-પિતાની પ્રથમ પસંદગી બની રહી છે.

રમતગમત અને કળા ક્ષેત્રે પણ રાષ્ટ્રીય ઓળખ

કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ તેમજ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ખો-ખો, લંગડી, રોપ મલ્લખંભ સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને અનેક મેડલ જીત્યા છે.

PM SHRI યોજનાના કારણે હવે શાળાને અલગ સ્પોર્ટ્સ શિક્ષક પણ મળશે. ઉપરાંત વિદ્યાર્થીઓને આર્ચરી, એથ્લેટિક્સ સહિતની અન્ય રમતોમાં પણ તાલીમ આપવામાં આવશે.

કલામહાકુંભમાં વર્ષ 2018થી 2025 દરમિયાન શાળાની દીકરીઓએ રાસગરબા સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સતત શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. હવે સંગીત શિક્ષકની નિમણૂક થવાથી સંગીત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને નવી તકો મળશે.

‘બાળ સંસદ’થી વિકસે છે નેતૃત્વ અને જવાબદારી

કવિ દુલા કાગ શાળાની સૌથી વિશેષ પહેલ ‘બાળ સંસદ’ છે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે છે.

વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન, પ્રાર્થના, સ્વચ્છતા, બગીચા, આરોગ્ય, પાણી અને બુલેટિન બોર્ડ જેવી વિવિધ સમિતિઓમાં સક્રિય ભાગ ભજવે છે. સમિતિઓ વચ્ચે દર અઠવાડિયે સ્પર્ધા યોજવામાં આવે છે અને શ્રેષ્ઠ કામગીરી માટે સ્ટાર્સ આપવામાં આવે છે. આ પ્રણાલી વિદ્યાર્થીઓમાં સ્વસ્થ સ્પર્ધા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે.

BRICS પ્રતિનિધિથી લઈને મહાનુભાવોની મુલાકાત

શાળાના ઉત્કૃષ્ટ કાર્યની નોંધ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા તેમજ પૂર્વ શિક્ષણ મંત્રીઓ પ્રફુલ પાનસેરિયા અને કુબેર ડિંડોર દ્વારા લેવામાં આવી છે. સમયાંતરે અનેક વરિષ્ઠ મહાનુભાવો અને નેતાઓ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરે છે.

તાજેતરમાં BRICS દેશોના પ્રતિનિધિ મંડળે પણ શાળાની મુલાકાત લઈને અહીંના શિક્ષણ મોડલ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

વિકસિત ભારતના ઘડવૈયા તૈયાર કરતી સરકારી શાળા

કવિ દુલા કાગ પ્રાથમિક શાળા આજે એ સાબિત કરી રહી છે કે ગુણવત્તાસભર શિક્ષણ માટે માત્ર ખાનગી શાળાઓ જ એકમાત્ર વિકલ્પ નથી. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક ગુણવત્તા, રમતગમત, કળા અને નેતૃત્વ વિકાસના સંયોજનથી આ શાળા ભવિષ્યના જવાબદાર નાગરિકો અને વિકસિત ભારતના ઘડવૈયાઓ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતના બાળકોની સર્જનાત્મકતાને મળશે 'પેટન્ટ'ની પાંખો : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ શરૂ કર્યો 'કિડનોવેશન' પ્રોજેક્ટ

શિક્ષણ માટેની માંગનું આ એક જીવંત ઉદાહરણ

સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો વધતો વિશ્વાસ અને ગુણવત્તાસભર શિક્ષણ માટેની માંગનું આ એક જીવંત ઉદાહરણ છે. કવિ દુલા કાગ પ્રાથમિક શાળાની સફળતા અન્ય સરકારી શાળાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશા દર્શાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now