Home Gujarat Ahmedabad Ahmedabad Navrangpura Youth Body Found Inside Car Investigation

અમદાવાદમાં કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ : દારૂની બોટલ મળી, હત્યા કે આકસ્મિક મોત? રહસ્ય અકબંધ

બલેનો કારના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 23, 2026, 01:59 PM IST

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી 36 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સિટી ગોલ્ડ થિયેટરની પાછળ આવેલા મેટ્રો પિલ્લર નીચે ઉભેલી કારમાંથી મળેલા મૃતદેહની ઓળખ વિકાસ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જેના કારણે મૃત્યુનું કારણ હજુ રહસ્યમય બન્યું છે.

ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ મૃત્યુ પાછળના તમામ સંભવિત કારણોની તપાસ કરી રહી છે.

રવિવારે ઘરેથી નીકળ્યા, મંગળવારે મૃત હાલતમાં મળ્યા

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતક વિકાસ રવિવારે પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા. મંગળવારે નવરંગપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર વિકાસના મૃત્યુને અંદાજે 24 કલાક જેટલો સમય વીતી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મૃત્યુનો ચોક્કસ સમય અને કારણ પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા : 24 કલાકમાં બે હત્યાના રહસ્યો ઉકેલ્યા, 9 વર્ષ જૂનો 'કોલ્ડ કેસ' પણ ડિટેક્ટ

કારમાંથી દારૂની બોટલ મળી

પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની એક બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે માત્ર દારૂની બોટલ મળવી અને મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં તે અંગે હાલમાં કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મૃતકના શરીર પર કોઈ સંઘર્ષ કે હુમલાના નિશાન ન મળતાં પોલીસે કુદરતી મૃત્યુ, તબીબી કારણો, અકસ્માત અથવા અન્ય કોઈ સંજોગોની દિશામાં તપાસ શરૂ કરી છે. FSLની ટીમે કાર અને ઘટનાસ્થળ પરથી જરૂરી પુરાવા અને નમૂનાઓ એકત્રિત કર્યા છે.

પરિવારની પૃષ્ઠભૂમિ પણ ચર્ચામાં

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ વિકાસ મૂળ જૂનાગઢના રહેવાસી હતા અને છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહેતા હતા. તેઓ કોઈ નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા નહોતા અને બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારિક જીવનની વાત કરીએ તો વિકાસના લગ્નને અંદાજે સાતથી આઠ વર્ષનો સમય થયો હતો. તેમને પાંચ વર્ષની એક પુત્રી છે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર વિકાસ ઘર સંભાળતા હતા અને તેમની પુત્રીની દેખરેખ રાખતા હતા. બીજી તરફ તેમની પત્ની ઉચ્ચ શિક્ષિત છે અને GPSC પાસ કર્યા બાદ સરકારી સેવામાં જોડાયા હતા. અગાઉ તેઓ જૂનાગઢમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને બાદમાં તેમની બદલી અમદાવાદમાં કરાવવામાં આવી હતી. હાલમાં તેઓ અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના પોશ વિસ્તારમાં BRTS ટ્રેક પર મોટો અકસ્માત : બે બસો સામસામે અથડાતાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત

પોલીસ માટે અનેક સવાલો

આ કેસમાં અનેક સવાલો હજુ અનુત્તરિત છે. વિકાસ રવિવારે ઘરેથી નીકળ્યા બાદ ક્યાં ગયા હતા? તેઓ બે દિવસ સુધી ક્યાં હતા? કાર મેટ્રો પિલ્લર નીચે કેવી રીતે અને ક્યારે પાર્ક કરવામાં આવી? કારમાં મળેલી દારૂની બોટલનો ઘટનાક્રમ સાથે કોઈ સંબંધ છે કે નહીં? અને સૌથી મહત્વપૂર્ણ, મૃત્યુનું વાસ્તવિક કારણ શું છે? આ તમામ પ્રશ્નોના જવાબ માટે પોલીસ મોબાઇલ કોલ ડિટેઇલ્સ, CCTV ફૂટેજ, પરિવારજનોના નિવેદનો અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે.

પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ પર નજર

હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ મળ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃત્યુ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે. હાલ સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે અને પોલીસ તમામ સંભવિત એંગલથી તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now