Home Gujarat Ahmedabad Gujarat Lok Bhavan Shri Ram Katha Third Day

શ્રી રામ કથાગુજરાત લોકભવનમાં શ્રી રામ કથાનો ત્રીજો દિવસ: : રામ-જાનકી વિવાહના પ્રસંગે ભાવવિભોર બન્યા શ્રોતાઓ

આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ રામ-જાનકી વિવાહનો પ્રસંગ વર્ણવે છે
Published by: Dviti Panchal
Last Updated: Jun 23, 2026, 01:44 PM IST

આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે યજ્ઞરક્ષા, અહલ્યા ઉદ્ધાર અને શ્રીરામ-જાનકી વિવાહનું ભાવપૂર્ણ વર્ણન કર્યું; દીકરીના સંસ્કાર અને ગૃહસ્થાશ્રમના મહત્ત્વ પર આપ્યો સંદેશ.

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામ કથાના ત્રીજા દિવસે ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ભાવના ભરેલું વાતાવરણ જોવા મળ્યું હતું. સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ દ્વારા યજ્ઞની રક્ષા, અહલ્યા ઉદ્ધાર અને શ્રીરામ-જાનકી વિવાહનો પ્રસંગ અત્યંત ભાવપૂર્ણ રીતે વર્ણવ્યો હતો. રામચરિતમાનસની ચોપાઈઓ, ભક્તિમય ભજનો અને આચાર્યશ્રીની સરળ પણ ગહન વાણીથી સમગ્ર લોકભવન ભક્તિમય બની ગયું હતું.

કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમનો પ્રસંગ સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, શ્રીરામે અદભૂત પરાક્રમ દર્શાવી રાક્ષસોનો સંહાર કર્યો હતો. મારીચને પરાજિત કરી અને સુબાહુનો વધ કરીને શ્રીરામે યજ્ઞની રક્ષા કરી હતી. આ પ્રસંગ દ્વારા આચાર્યશ્રીએ સમજાવ્યું કે ધર્મ, સત્ય અને સદાચારની રક્ષા માટે પરાક્રમ પણ એટલો જ જરૂરી છે.

અહલ્યા ઉદ્ધારનો ભાવસભર પ્રસંગ

આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે અહલ્યા ઉદ્ધારનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું કે, શ્રીરામના પાવન સાનિધ્યથી અહલ્યાનું જીવન ધન્ય બન્યું. આ પ્રસંગ માત્ર ચમત્કારની કથા નથી, પરંતુ જીવનમાં કૃપા, ક્ષમા અને પવિત્રતા કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તેનું ઊંડું આધ્યાત્મિક પ્રતીક છે. આચાર્યશ્રીના વર્ણન દરમિયાન શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.

કથાના મુખ્ય આકર્ષણ સમાન શ્રીરામ-જાનકી વિવાહનો પ્રસંગ જ્યારે શરૂ થયો, ત્યારે સમગ્ર સભામંડપમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આચાર્યશ્રીએ રાજા જનકની શરત, શિવધનુષ અને શ્રીરામના બાહુબળનું જીવંત વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે શ્રીરામે શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવીને તેને ખેંચ્યું, ત્યારે ધનુષ તેમના બાહુબળ સામે તૂટી ગયું. આ પ્રસંગ સાથે જ સમગ્ર વાતાવરણ “સિયાવર રામચંદ્ર કી જય”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ગૃહસ્થાશ્રમને સમાજજીવનનો આધાર ગણાવ્યો

આચાર્યશ્રીએ ગૃહસ્થાશ્રમના મહત્ત્વ પર પણ વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, કારણ કે અન્ય આશ્રમોનો આધાર પણ ગૃહસ્થ જીવન પર છે. ગૃહસ્થ જીવન સંસ્કાર, જવાબદારી, સેવા અને સમર્પણથી સુશોભિત બને ત્યારે વ્યક્તિનું સમગ્ર જીવન સુખદ અને સમતોલ બને છે.

શ્રીરામ-સીતાજી, લક્ષ્મણ-ઉર્મિલા, ભરત-માંડવી અને શત્રુઘ્ન-શ્રુતકિર્તિના વિવાહ વૈદિક વિધિ-વિધાનથી સંપન્ન થયા હોવાનું આચાર્યશ્રીએ ભાવપૂર્વક વર્ણવ્યું હતું. આ પ્રસંગ દ્વારા તેમણે વૈદિક પરંપરા, દાંપત્યજીવનની પવિત્રતા અને પરિવારવ્યવસ્થાના આધ્યાત્મિક આધારને રેખાંકિત કર્યો હતો.

સીતાજીની વિદાયે સર્જ્યું ભાવુક વાતાવરણ

સીતાજીના વિદાય પ્રસંગે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. આચાર્યશ્રીએ માતા સુનૈના અને વિદેહરાજ જનક દ્વારા સીતાજીને આપવામાં આવેલા ઉપદેશોને ટાંકીને ઉપસ્થિત જનમેદનીને સંસ્કારમય જીવનનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે દરેક માતા-પિતાએ પોતાની દીકરીને સાસરીમાં મોકલતી વખતે માત્ર ભૌતિક વસ્તુઓ નહીં, પરંતુ સંસ્કારરૂપી ઘરેણાં અચૂક આપવા જોઈએ.

આચાર્યશ્રીએ કહ્યું કે સાસુને મા માનવી, સસરાને પિતા સમાન ગણવા, મધુર મુસ્કાન રાખવી, અતિથિ સત્કાર કરવો અને નિત્ય યજ્ઞ કરવો આ જીવનના સાચા સંસ્કારો છે. તેમણે ઉમેર્યું કે, “બાબુલ કા ઘર જન્મભૂમિ હૈ, કર્મભૂમિ સસુરાલ” આ વાતને યાદ રાખીને દીકરીએ બંને કુળની લાજ રાખવી જોઈએ. આ સંદેશે ઉપસ્થિત શ્રોતાઓને કુટુંબ, સંસ્કાર અને જવાબદારીના મૂલ્યો પર વિચાર કરવા પ્રેર્યા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષતા

કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજબરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા, સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. નિરંજન પટેલ, ગુજરાતના આંતરરાષ્ટ્રીય સ્વિમર આર્યન નેહરા સહિતના મહાનુભાવો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શ્રીરામકથાનું ભાવપૂર્વક રસપાન કર્યું હતું.

ગુજરાત લોકભવનમાં યોજાયેલી આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ ન રહી, પરંતુ સંસ્કાર, પરિવારજીવન, કર્તવ્ય અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપતો લોકપ્રેરક પ્રસંગ બની રહી. ત્રીજા દિવસની કથાએ શ્રોતાઓને ભક્તિ સાથે જીવનમૂલ્યો તરફ પણ દોરી ગયા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now