પોરબંદરના ઐતિહાસિક સુદામા ચોક સ્થિત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે 'દિવ્ય વંદના મહોત્સવ' અને 'મહા રક્તદાન કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને સમાજસેવાની આ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
આજનું ભારત એટલે 'નવું હિન્દુસ્તાન'
કાર્યક્રમ દરમિયાન એક બાળક સાથેના નિખાલસ સંવાદમાં જગદીશએ આજના બદલાતા ભારતનું ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજનું ભારત એટલે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનવાના માર્ગ પર આગળ વધતું ભારત. દેશને આત્મનિર્ભર બનાવવાના આ અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી મોટો સિંહફાળો રહ્યો છે."
'હું હિન્દુ છું' કહેવામાં આજે ગર્વની અનુભૂતિ
પ્રદેશ અધ્યક્ષએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની શક્તિ વિશે વાત કરતા કહ્યું કે, આજે દેશના કરોડો નાગરિકોને પોતાની ઓળખ આપતા ગર્વ થાય છે. તેમણે સોમનાથ મંદિરનું ઉદાહરણ આપતા બાળકોને પ્રેરણા આપી હતી કે, ૧૭ વખત હુમલા થયા બાદ પણ સોમનાથ મંદિર અડીખમ છે, તેમ જીવનની કોઈપણ મુશ્કેલીમાં આપણે અડગ રહેવું જોઈએ. વડાપ્રધાનના નેતૃત્વમાં 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરને તેમણે રાષ્ટ્રના ગૌરવ સમાન ગણાવ્યું હતું.
સેવાના ક્ષેત્રે વિશ્વ રેકોર્ડ
વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સેવાના અનેક કીર્તિમાન સ્થાપિત થયા હતા. એક જ સ્થળે 11 હજારથી વધુ યુનિટ રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે 51 હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે 40 હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા, વિવિધ સામાજિક આગેવાનો, અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓ અને પોરબંદરની ધર્મપ્રેમી જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ ભવ્ય આયોજન બદલ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન અને તમામ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.





