Mumbai cricket stadium: ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશખબર છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે વધુ એક 1,00,000 ની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ આકાર લેવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં આ વર્લ્ડ-ક્લાસ સ્ટેડિયમના વિકાસનું નેતૃત્વ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) માં સૂચિત 1 લાખની ક્ષમતાવાળું સ્ટેડિયમ ક્રિકેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન લાવવા, પ્રવાસનને વેગ આપવા અને રાજ્યને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ CIDCO અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના સહયોગથી સાકાર કરવામાં આવશે.
આ પણ વાંચો: IPL 2026 માં રમવા માટે RCBનો આ બોલર પહોંચ્યો કોર્ટ : જાણો શું છે સમગ્ર મામલો?
આ પહેલ CIDCO અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવશે. તાજેતરમાં MCA પ્રમુખ અજિંક્ય નાઈક અને CIDCO ના મેનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલ વચ્ચે આ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંના એક એવા આ સ્ટેડિયમ દ્વારા રાજ્યના રમતગમતના માળખાને નવી ઊંચાઈએ લઈ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
શું MMR માં આ ચોથું સ્ટેડિયમ હશે?
નવું સ્ટેડિયમ બનવાથી કદાચ આઈકોનિક વાનખેડે સ્ટેડિયમ પરથી ધ્યાન થોડું ઓછું થઈ શકે છે, જ્યાં એમ.એસ. ધોનીએ 2011 ના ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં યાદગાર વિજયી સિક્સર ફટકારી હતી. હાલમાં વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા 33,000 થી થોડી વધુ છે. તેની સરખામણીએ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જ્યાં તાજેતરમાં ભારતે T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, તે 1.3 લાખથી વધુની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મુંબઈમાં વાનખેડે ઉપરાંત CCI-બ્રેબોર્ન સ્ટેડિયમ (ક્ષમતા 50,000) અને MMR વિસ્તારમાં ડી.વાય. પાટીલ સ્ટેડિયમ પણ આવેલું છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં 1 લાખની ક્ષમતાનું સ્ટેડિયમ માત્ર મુંબઈ ક્રિકેટને જ નહીં, પરંતુ મહારાષ્ટ્રને પણ વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂતીથી સ્થાપિત કરશે," તેમ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું.
વિકાસ માટેનો ફ્લેગશિપ પ્રોજેક્ટ
આ સ્ટેડિયમ ભવિષ્યની પ્રતિભાઓને તૈયાર કરવા, પાયાના સ્તરે ક્રિકેટને મજબૂત કરવા અને ખેલાડીઓ માટે વિશ્વ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે બનાવવામાં આવશે. અહીં આંતરરાષ્ટ્રીય મેચો તેમજ હાઈ-પ્રોફાઈલ સ્થાનિક અને વૈશ્વિક ટુર્નામેન્ટો યોજાય તેવી અપેક્ષા છે. અજિંક્ય નાઈકે વધુમાં ઉમેર્યું કે, "આ વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખેલાડીઓના વિકાસ માટે અપ્રતિમ તકો ઊભી કરશે, ઉભરતી પ્રતિભાઓને પૂરતું એક્સપોઝર આપશે અને તમામ સ્તરે ક્રિકેટની ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે."
આ સ્ટેડિયમ સ્પોર્ટ્સ ટૂરિઝમ (રમત પ્રવાસન) માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે, રોજગારીની તકો ઊભી કરશે અને પ્રદેશની વૈશ્વિક ઓળખ વધારશે. સાથે જ, તે ચાહકોના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરશે અને આ વિસ્તારના સંકલિત શહેરી વિકાસમાં પણ મદદરૂપ થશે.





