IPL 2026, Nuwan Thushara: આઈપીએલ 2026 ના રોમાંચ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના શ્રીલંકન ફાસ્ટ બોલર નુવાન તુષારાએ આઈપીએલ 2026 માં રમવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં, શ્રીલંકા ક્રિકેટે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવાને કારણે તેમને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી તુષારાએ આ પગલું ભર્યું છે.
IPL 2026 માં રમવા માટે કોર્ટ પહોંચ્યા નુવાન તુષારા
શ્રીલંકન મીડિયા 'ન્યૂઝવાયર' ના અહેવાલ મુજબ, નુવાન તુષારાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને NOC આપવાનો ઇનકાર કરવાના નિર્ણય સામે કોલંબો જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો છે. 31 વર્ષીય તુષારાને IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રિટેન કર્યા છે, પરંતુ NOC વગર તેઓ IPL માં રમી શકતા નથી. આ સંજોગોમાં, તેમણે અદાલતમાં અપીલ કરી છે કે શ્રીલંકા ક્રિકેટને તેમને NOC જારી કરવાનો આદેશ આપવામાં આવે. આ મામલે આગામી સુનાવણી 9 એપ્રિલે થશે. ઉલ્લેખનીય છે કે, તુષારાને હાલમાં કોઈ ઈજા થઈ નથી, પરંતુ શ્રીલંકન બોર્ડે તેમને ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ NOC ન આપવાનો નિર્ણય લીધો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે તુષારા
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તુષારાએ કહ્યું છે કે SLC સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ 31 માર્ચના રોજ પૂરો થઈ ગયો છે અને તેઓ તેને આગળ વધારવા માંગતા નથી. એટલું જ નહીં, તેમણે બોર્ડને એમ પણ કહી દીધું છે કે તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retire) લેવા માંગે છે. તેમની દલીલ એવી છે કે જ્યારે તેઓ હવે દેશ માટે રમવા જ માંગતા નથી, તો ફિટનેસ ટેસ્ટના આધારે NOC રોકવી ખોટી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે તેમની ફિટનેસ પહેલા પણ આ જ લેવલની રહી છે અને ત્યારે તેમને રમતા ક્યારેય રોકવામાં આવ્યા નહોતા.
નુવાન તુષારાની IPL કારકિર્દી
RCBએ નુવાન તુષારાને IPL 2025 ના મેગા ઓક્શનમાં 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તુષારા ગત વર્ષની ચેમ્પિયન RCB ટીમનો હિસ્સો હતા, પરંતુ તેઓ માત્ર એક જ મેચ રમ્યા હતા. આ પહેલા તેઓ 2024 માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતા.





