Home Sports IPL 2026 Kkr Vs Srh Ipl 2026 Match Preview Eden Gardens Match Analysis And Results

આજે KKR vs SRH વચ્ચે કાંટાની ટક્કર : શું કોલકાતા પોતાના ગઢમાં ફરી દેખાડશે વર્ચસ્વ? કોણ ખોલાવશે જીતનું ખાતું? ફેન્સ એકદમ તૈયાર!

IPL 2026 KKR vs SRH Live
Published by: Nirali Gohil
Last Updated: Apr 02, 2026, 09:08 AM IST

IPL 2026, KKR vs SRH Live, 02 April 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની છઠ્ઠી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને ટકરાશે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે શરૂ થનારો આ મુકાબલો બંને ટીમો માટે અત્યંત મહત્વનો છે, કારણ કે બંને ટીમો પોતાની પ્રથમ મેચમાં હારનો સ્વાદ ચાખી ચૂકી છે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની KKRને મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજય મળ્યો હતો, જ્યારે ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળની હૈદરાબાદની ટીમને RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આજના મુકાબલામાં આંકડાકીય રીતે કોલકાતાનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 30 મેચોમાંથી 19માં KKR એ બાજી મારી છે, જ્યારે હૈદરાબાદ માત્ર 10 મેચ જીતી શક્યું છે. ખાસ કરીને ઈડન ગાર્ડન્સમાં KKRનો દબદબો રહ્યો છે, જ્યાં તેમણે 11 માંથી 8 મુકાબલા જીત્યા છે. આજે બંને ટીમો પોતાની નબળાઈઓ સુધારીને પોઈન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કોલકાતા માટે બોલિંગ માથાનો દુખાવો: 220 રન પણ ન બચાવી શક્યા

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝનમાં બોલિંગ વિભાગ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 220 રનનો વિશાળ સ્કોર ખડક્યા છતાં KKRના બોલરો તેને ડિફેન્ડ કરી શક્યા નહોતા. હર્ષિત રાણા અને આકાશ દીપ જેવા મુખ્ય ફાસ્ટ બોલરોની ઈજા અને મથીશ પથિરાનાની ગેરહાજરીએ ટીમની મુશ્કેલી વધારી છે. વળી, સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી પણ રન રોકવામાં નિષ્ફળ રહ્યો હતો. બેટિંગમાં કેમરૂન ગ્રીન અને રિંકુ સિંહ શાનદાર ફોર્મમાં છે, પરંતુ જો બોલરો શિસ્તબદ્ધ પ્રદર્શન નહીં કરે તો હોમ ગ્રાઉન્ડ પર પણ જીત મુશ્કેલ બની શકે છે.

કેપ્ટન કમિન્સ વગર હૈદરાબાદનો સંઘર્ષ

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદની હાલત પણ કંઈક અંશે સમાન છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. હૈદરાબાદ પાસે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જેવો વિસ્ફોટક ટોપ ઓર્ડર હોવા છતાં, પ્રથમ મેચમાં બેટિંગ યુનિટ ધરાશાયી થયું હતું. બોલિંગમાં હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ જેવા અનુભવી નામો હોવા છતાં ટીમ 201 રનનો સ્કોર બચાવી શકી નહોતી. જોકે, કમિન્સે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી હોવાથી ટૂંક સમયમાં તેની વાપસીની આશા છે, પરંતુ આજની મેચમાં હૈદરાબાદે પોતાના પાયાના બોલરો પાસેથી વધુ સારા સ્પેલની આશા રાખવી પડશે.

આ પણ વાંચો: રિઝવી–સ્ટબ્સની અણનમ ભાગીદારી : દિલ્હીએ હારેલી મેચ જીતમાં ફેરવી

ઈડન ગાર્ડન્સનો પિચ રિપોર્ટ અને હવામાન

કોલકાતાનું ઈડન ગાર્ડન્સ બેટર્સ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. નાની બાઉન્ડ્રી અને આઉટફિલ્ડ તેજ હોવાને કારણે અહીં હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યાર સુધી રમાયેલી 100 આઈપીએલ મેચોમાં 57 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે, જે દર્શાવે છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ફાયદાકારક રહી શકે છે. હવામાનની વાત કરીએ તો, કોલકાતામાં આજે ગરમીનો પારો 36 ડિગ્રી સુધી રહી શકે છે અને વરસાદની કોઈ શક્યતા નથી.

બંને ટીમોની સંભવિત 'સ્ટાર્ટિંગ-12'

  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગકૃષ રઘુવંશી (WK), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનિલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝરબાની, મનીષ પાંડે.

  • સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (WK/કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, ડેવિડ પેન.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now