Home Sports IPL 2026 Ipl 2026 Final Gt Vs Rcb Ahmedabad Title Clash

IPL 2026 Final GT vs RCB : શુભમનની સેના અને વિરાટના વીરો વચ્ચે અમદાવાદમાં મહામુકાબલો

IPL 2026 Final Preview
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: May 31, 2026, 04:17 AM IST

IPL 2026 Final GT vs RCB : દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે અને આખી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓની નજર આજે અમદાવાદ પર ટકેલી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ મહામુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે જેમાં સ્ટેડિયમમાં હાજર લાખો દર્શકો ક્રિકેટના રોમાંચનો આનંદ માણશે. ખાસ વાત એ છે કે, બંને ટીમો પાસે બીજી વખત આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. બેંગલુરુએ ગયા વર્ષે જ પોતાની પ્રથમ ટ્રોફી જીતીને વર્ષોનું સપનું પૂરું કર્યું હતું જ્યારે ગુજરાત ટાઇટન્સે વર્ષ 2022 માં પોતાની ડેબ્યૂ સીઝનમાં જ ચેમ્પિયન બનીને બધાને ચોંકાવી દીધા હતા. આજે કિંગ વિરાટ કોહલી અને પ્રિન્સ શુભમન ગિલ વચ્ચેની ટક્કર આ મેચને વધુ રોમાંચક બનાવશે.

IPL ફાઈનલ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા સજ્જ: 3000 પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત

ફાઇનલ મેચના રસપ્રદ અને મોટા ટ્રેન્ડ્સ

IPL ના 18 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો ફાઇનલ મેચને લઈને કેટલાક એવા રસપ્રદ આંકડા સામે આવે છે, જે મેચની દિશા નક્કી કરી શકે છે. સૌથી પહેલો મોટો ટ્રેન્ડ એ છે કે, છેલ્લા 8 વર્ષથી જે ટીમે ક્વોલિફાયર-1 મેચ જીતી છે તે જ ટીમ ફાઇનલમાં પણ ચેમ્પિયન બની છે અને આ વખતે ક્વોલિફાયર-1 બેંગલુરુએ જીતી છે. વધુમાં વર્ષ 2016 પછી તમામ ફાઇનલ મેચ ક્વોલિફાયર-1 રમનારી ટીમો વચ્ચે જ રમાઈ છે. છેલ્લે 2016 માં હૈદરાબાદની ટીમ એલિમિનેટર જીતીને ચેમ્પિયન બની હતી. બીજો સૌથી મહત્વનો ફેક્ટર સ્કોરનો છે. IPL ફાઇનલના ઇતિહાસમાં 200 થી વધુ રનનો સ્કોર ક્યારેય ચેઝ થઈ શક્યો નથી. વર્ષ 2008 થી 2025 સુધીમાં ફાઇનલમાં 4 વખત 200 થી વધુનો સ્કોર બન્યો છે અને દર વખતે પહેલા બેટિંગ કરનારી ટીમ જ જીતી છે. આથી આજે જે પણ ટીમ ટોસ જીતશે તે મોટો સ્કોર બનાવીને વિરોધી ટીમ પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે.

IPL ફાઇનલમાં મેધરાજા મોટો ટ્વિસ્ટ લાવશે!: GT-RCB મેચ પહેલા અંબાલાલ પટેલની આગાહીએ વધારી ચિંતા

બંને ટીમો વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ

જો આપણે બંને ટીમોના જૂના આંકડા અને પરસ્પર મુકાબલાની વાત કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ગુજરાત ટાઇટન્સ કરતાં સહેજ આગળ દેખાય છે. IPL ના ઇતિહાસમાં બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 9 વખત સામસામે આવી ચૂકી છે જેમાંથી બેંગલુરુએ 5 મેચમાં જીત મેળવી છે જ્યારે ગુજરાતના ખાતામાં 4 જીત આવી છે. આ ચાલુ સીઝનની વાત કરીએ તો લીગ રાઉન્ડમાં બંને ટીમોએ પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવી હતી. 24 એપ્રિલે બેંગલુરુએ પોતાના મેદાન પર 5 વિકેટે મેચ જીતી હતી તો 30 એપ્રિલે ગુજરાતે અમદાવાદમાં 4 વિકેટે વળતો પ્રહાર કર્યો હતો. જોકે, હાલમાં જ રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં બેંગલુરુની ટીમે ધર્મશાલાના મેદાન પર ગુજરાતને 92 રને કારમી હાર આપી હતી જેના કારણે બેંગલુરુનો આત્મવિશ્વાસ અત્યારે સાતમા આસમાને હશે.

છઠ્ઠા ફિફા વર્લ્ડ કપ માટે તૈયાર લિયોનેલ મેસ્સી: આર્જેન્ટિનાની ટીમ જાહેર, આ 9 મોટા નામ ગાયબ!


ગુજરાત ટાઇટન્સના કી-પ્લેયર્સ અને તેમનું ફોર્મ

ગુજરાત ટાઇટન્સની ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં તેમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો અને ઘાતક બોલરોનો મોટો હાથ રહ્યો છે. ટીમના કેપ્ટન શુભમન ગિલે ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન સામે માત્ર 104 રનની શાનદાર સેન્ચુરી ફટકારીને ફોર્મમાં હોવાના સંકેત આપી દીધા છે અને તે આ સીઝનમાં 15 મેચમાં 722 રન બનાવી ચૂક્યો છે. તેની સાથે ઓપનિંગ કરનાર સાઈ સુદર્શને પણ છેલ્લી મેચમાં 58 રન બનાવ્યા હતા અને ગિલ સાથે 167 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. સુદર્શન આ સીઝનમાં 710 રન બનાવી ચૂક્યો છે. આ બંને ઓપનરો જો 5 ઓવરથી વધુ ક્રિઝ પર ટકી જશે તો ગુજરાતની જીત પાકી માનવામાં આવે છે કારણ કે, ગુજરાતે આવી 6 મેચ જીતી છે. બોલિંગ લાઇનઅપમાં કાગીસો રબાડા અત્યારે પર્પલ કેપ સાથે સૌથી આગળ છે જેણે આ સીઝનમાં સૌથી વધુ 28 વિકેટ ઝડપી છે અને પાવરપ્લેમાં તેની બોલિંગ વિરોધીઓ માટે કાળ સાબિત થઈ રહી છે.

IPL ફાઇનલ જોવા અમદાવાદ આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે મોટી જાહેરાત: લાખો ફેન્સ માટે રેલવે દોડાવશે 2 સ્પેશિયલ ટ્રેન, હોટેલનું એડવાન્સ બુકિંગ પણ શરૂ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કી-પ્લેયર્સ અને મજબૂતી

બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની તાકાત તેમનું મજબૂત બેટિંગ લાઇનઅપ અને અનુભવી બોલરો છે. વિરાટ કોહલી આ સીઝનમાં અદભૂત ફોર્મમાં છે અને તે 15 મેચમાં 1 સદી અને 4 અડધી સદી સાથે 600 થી વધુ રન બનાવી ચૂક્યો છે. તેની સાથે જ મિડલ ઓર્ડરમાં રજત પાટીદારે ક્વોલિફાયર-1 માં ગુજરાત સામે જ નોટઆઉટ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમનો સ્કોર 250 પાર પહોંચાડ્યો હતો. પાટીદારે આ સીઝનમાં 196.76 ના ભયાનક સ્ટ્રાઈક રેટથી 486 રન બનાવ્યા છે. બોલિંગ વિભાગમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર પર્પલ કેપની રેસમાં 26 વિકેટ સાથે બીજા સ્થાને છે અને તે ગિલને અત્યાર સુધીમાં IPL માં 6 વખત આઉટ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ટીમમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા છે જેણે આ સીઝનમાં 200 થી વધુ રન અને 10 થી વધુ વિકેટ લીધી છે અને તે ગયા વર્ષે પણ બેંગલુરુને ચેમ્પિયન બનાવવામાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

પોતે ફ્લોપ રહ્યો, પણ વૈભવને પાઠ ભણાવવા પહોંચ્યો કેપ્ટન!: મેચ બચાવનારા 15 વર્ષીય સૂર્યવંશી પર કેમ ગર્જ્યો રિયાન પરાગ?

ગુજરાત ટીમ માટે ફિટનેસ અને મુસાફરીની ચિંતા

આ મહામેચ પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમમાં થોડી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ ખેલાડીઓની ફિટનેસ અને મુસાફરીનો થાક છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી ક્વોલિફાયર-2 મેચ દરમિયાન સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ખભાની ઈજાથી પરેશાન દેખાતો હતો. જોકે તેણે પોતાની ઓવરોનો સ્પેલ પૂરો કર્યો હતો પરંતુ ફાઇનલ મેચ પહેલા તેની ફિટનેસ ગુજરાત માટે મોટો સવાલ છે. આ ઉપરાંત ચંદીગઢમાં આવેલા ભારે વાવાઝોડા અને ખરાબ હવામાનના કારણે ગુજરાતની ટીમની ફ્લાઇટ ઘણી મોડી પડી હતી. આના કારણે ટીમને અમદાવાદ પહોંચ્યા પછી ફાઇનલ મેચની તૈયારી કરવા માટે 24 કલાકથી પણ ઓછો સમય મળ્યો છે જ્યારે બીજી તરફ બેંગલુરુની ટીમ આરામ કરીને સ્ટેડિયમમાં પહેલેથી જ સેટ થઈ ગઈ છે.

IPL ફાઈનલ પહેલાં અમદાવાદ પોલીસની લાલ આંખ: ટિકિટોની કાળાબજારી કરતા 7 શખ્સ ઝડપાયા

અમદાવાદનો પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હંમેશાથી હાઈ-વોલ્ટેજ મેચો માટે જાણીતું છે પરંતુ આ સીઝનમાં અહીં રન બનાવવા એટલા આસાન રહ્યા નથી. ચાલુ સીઝનમાં આ મેદાન પર રમાયેલી મેચોમાંથી માત્ર 3 વખત જ સ્કોર 200 ને પાર પહોંચી શક્યો છે જે દર્શાવે છે કે, પિચ પર બોલરો માટે પણ મદદ રહેલી છે. આ મેદાન પર સામાન્ય રીતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી એટલે કે રન ચેઝ કરનારી ટીમને વધુ ફાયદો થાય છે. છેલ્લા 6 IPL ફાઇનલમાંથી 4 ફાઇનલ ચેઝ કરનારી ટીમે જ જીતી છે. અમદાવાદના આ હોમ ગ્રાઉન્ડ પર બંને ટીમોનો જૂનો રેકોર્ડ એકદમ બરાબરી પર રહ્યો છે જ્યાં બંનેએ એક-એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં ગુજરાતના બોલરો પોતાની હોમ કંડિશન્સનો ફાયદો ઉઠાવીને બેંગલુરુના ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેનોને વહેલા આઉટ કરવાનો પૂરો પ્રયાસ કરશે.

RCB vs GT ની સંભવિત પ્લેઇંગ-12

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) : વિરાટ કોહલી, વેંકટેશ અય્યર/ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ સલામ, જેકબ ડફી/સુયશ શર્મા.

(ઇમ્પેક્ટ પ્લેયર : રોમારિયો શેફર્ડ અથવા સુયશ શર્મા)

ગુજરાત ટાઇટન્સ (GT) : શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

(ઇમ્પેક્ટ પ્લેયર : રાહુલ તેવતિયા)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now