IPL 2026 : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL ની ફાઇનલ મેચને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. આ મહામુકાબલાના સાક્ષી બનવા માટે ક્રિકેટ ચાહકોમાં અદભુત ક્રેઝ છે અને આખું અમદાવાદ શહેર અત્યારે ક્રિકેટમય બની ગયું છે. દેશના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા હોવાથી ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમ સેક્ટરમાં ભારે તેજી આવી છે. વધતી ભીડને નિયંત્રિત કરવા અને ચાહકોની મુસાફરી સુખદ બનાવવા માટે રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ પ્રકારની યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મુસાફરો માટે રેલવેની ખાસ સુવિધા
IPL ફાઇનલ મેચના દિવસે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસને સૌથી વધુ ટ્રાફિક ધરાવતા રૂટ એવા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેનોનું સંચાલન આગામી 31 મે અને 1 જૂનના રોજ કરવામાં આવશે, જેથી મેચ જોવા આવતા અને મેચ પૂર્ણ થયા બાદ પરત ફરતા ચાહકોને કન્ફર્મ સીટ સાથે આરામદાયક સફરનો લાભ મળી શકે. રેલવેના આ નિર્ણયથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે અપ-ડાઉન કરતાં હજારો પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
IPL ફાઈનલ પહેલાં અમદાવાદ પોલીસની લાલ આંખ: ટિકિટોની કાળાબજારી કરતા 7 શખ્સ ઝડપાયા
ટ્રેન ટિકિટનું બુકિંગ અને ખાસ ભાડું
રેલવે પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ, આ સ્પેશિયલ ટ્રેનો માટેનું ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ આજથી જ વિન્ડો પર લાઇવ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ટ્રેનો રેગ્યુલર કેટેગરીની ન હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો પાસેથી વિશેષ ભાડું (સ્પેશિયલ ચાર્જ) વસૂલવામાં આવશે. મેચનો રોમાંચ એટલી હદે ચરમસીમાએ છે કે, બુકિંગ શરૂ થતાની સાથે જ રેલવેની વેબસાઇટ અને કાઉન્ટર્સ પર ભારે ધસારો જોવા મળ્યો હતો. ટિકિટ વિન્ડો ખુલતાની સાથે જ ગણતરીની મિનિટોમાં વેટિંગ લિસ્ટ લાંબુ થઈ ગયું હતું, જે દર્શાવે છે કે, IPL ફાઇનલ માટે લોકો કોઈપણ ભોગ આપવા તૈયાર છે.
ટ્રાવેલ અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તેજી
અમદાવાદમાં રમાનારી આ મેગા ઈવેન્ટના કારણે સ્થાનિક બિઝનેસ અને હોટેલ ઉદ્યોગને પાંખો આવી ગઈ છે. મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા દેશના અગ્રણી મેટ્રો શહેરોમાંથી હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ફ્લાઈટ અને ટ્રેન મારફતે અમદાવાદ ઉતરી રહ્યા છે. પરિણામે, અમદાવાદની તમામ થ્રી-સ્ટાર, ફાઇવ-સ્ટાર હોટેલો, બજેટ ગેસ્ટ હાઉસ અને હોમ-સ્ટેમાં આજથી જ તમામ રૂમ્સ એડવાન્સમાં બુક થઈ ચૂક્યા છે. માંગ અને પુરવઠાના આ મોટા તફાવતના કારણે હોટેલ માલિકોએ રૂમના ભાડામાં સામાન્ય દિવસો કરતાં પાંચથી દસ ગણો વધારો કરી દીધો હોવા છતાં લોકો રૂમ બુક કરાવી રહ્યા છે.
મુંબઈમાંથી હાર્દિકની હકાલપટ્ટી કે પંડ્યાની પીછેહટ?: જાણો IPL ના સૌથી મોટા સમાચાર વિગતવાર
ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત
મેચની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, ઘરઆંગણે રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે બીજા ક્વોલિફાયર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે કારમો પરાજય આપીને ફાઇનલમાં ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ હાઇ-સ્કોરિંગ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 214 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ ગુજરાતના બેટ્સમેનોએ આ મુશ્કેલ લક્ષ્યાંકને પણ ખૂબ જ નાનો સાબિત કરી દીધો હતો અને માત્ર 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 219 રન બનાવી લીધા હતા તથા ફાઇનલની ટિકિટ મેળવી લીધી હતી.
શુભમન ગિલ અને સાઈ સુદર્શનનો દબદબો
ગુજરાત ટાઇટન્સની આ એકતરફી અને યાદગાર જીતના અસલી હીરો કેપ્ટન શુભમન ગિલ રહ્યા હતા, જેમણે મેદાનની ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને શાનદાર સેન્ચુરી ફટકારી હતી. ગિલે માત્ર 53 બોલનો સામનો કરીને 15 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી 104 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. બીજી તરફ, તેની સાથે ઓપનિંગમાં આવેલા યુવા બેટ્સમેન સાઈ સુદર્શને પણ પાછળ ન રહીને 32 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પાવરફુલ 58 રન ફટકાર્યા હતા. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે માત્ર 77 બોલમાં 167 રનની ઐતિહાસિક ઓપનિંગ પાર્ટનરશિપ કરીને વિજયનો પાયો નાખ્યો હતો. હવે રવિવારે 31 મેના રોજ ફાઇનલના મહામુકાબલામાં ગુજરાતનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે.





