Ahmedabad News: ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત બાવળા પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે મોજે જુવાલ ગામમાં રેડ પાડીને એક વાડામાંથી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની બોટલોનો મોટો વાણિજ્યિક જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુપ્ત બાતમીના આધારે દરોડો
મળતી માહિતી મુજબ, બાવળા પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે જુવાલ ગામના ઝાંપડીયા વાસના નાકે આવેલા એક વાડામાં નશાકારક સિરપનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત એક્શન લઈને અજય ઉર્ફે અજગર ભરતભાઈ ગોહેલના વાડામાં દરોડો પાડ્યો હતો.
જામનગરમાં પર્જન્ય યજ્ઞ દરમિયાન જ વરસ્યો વરસાદ : ઇન્દ્રદેવને રિઝવવા માટે કરાઈ વિશેષ પ્રાર્થના
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસની તપાસ દરમિયાન વાડામાંથી પ્રતિબંધિત નશાકારક કફ સીરપ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
કફ સીરપ: "R-Tuss TD Syrup Rx Codeine Phosphate and Triprolidine Hydrochloride cough Linctus" નામની 100 એમ.એલની કુલ 121 બોટલ (કિંમત રૂ. 19,118/-)
મોબાઈલ ફોન: ગુનામાં વપરાયેલા 2 નંગ મોબાઈલ (કિંમત રૂ. 30,000/-)
કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 49,118/-
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
આ નશાકારક જથ્થો રાખવા તેમજ તેની સપ્લાય કરવા બદલ બાવળા પોલીસે પકડાયેલા આરોપીઓ અને આ જથ્થો આપનાર અન્ય શખ્સ વિરુદ્ધ બાવળા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૨૦૦૮૨૬૦૪૫૩/૨૦૨૬ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ સામે એન.ડી.પી.એસ (NDPS) એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ હેઠળ ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલા આરોપીઓની વિગત
પોલીસે આ રેડ દરમિયાન અને તપાસના આધારે નીચેના બે આરોપીઓની અટકાયત કરી છે..
1. અજય ઉર્ફે અજગર ભરતભાઈ સગરામભાઈ ગોહેલ (ઉંમર વર્ષ: 18), રહે. ઝાંપડીયો વાસ, જુવાલ, તા. સાણંદ, જી. અમદાવાદ.
2. અશ્વિનભાઈ ઉર્ફે હરેશ શ્રવણભાઈ ધીરૂભાઈ ગોહેલ (ઉંમર વર્ષ: 20), રહે. ઝાંપડીયો વાસ, જુવાલ, તા. સાણંદ, જી. અમદાવાદ.
કોડીન યુક્ત આ કફ સીરપનો ઉપયોગ નશાના કારોબાર માટે થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ચેઈન ક્યાં સુધી જોડાયેલી છે.





