Vav-Tharad News: બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના લોકપ્રિય નેતા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર હંમેશા પોતાના બેબાક, નીડર અને લોકાભિમુખ અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં લાખણી તાલુકાના મોટાકાપરા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે અંધશ્રદ્ધા વિરૂદ્ધ એક મોટું અને પ્રેરણાદાયી નિવેદન આપ્યું છે, જેની હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે. ગઈકાલે મોટાકાપરા ગામે માતાજીના મંદિરના એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદની, ખાસ કરીને મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણ સામે કડક શબ્દોમાં ટકોર કરી હતી.
"દીવા કરો, માનતા રાખો, તેમાં કોઈ વાંધો નથી પણ..."
ગેનીબેન ઠાકોરે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ ખૂબ જ સરળ શબ્દોમાં સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે "દીવા કરો, માનતા રાખો, તેમાં કોઈ વાંધો નથી, પરંતુ સારા કર્મ વગર કુદરત પણ સાથ નહીં આપે." તેમણે ગ્રામજનોને સમજાવ્યું કે માત્ર પૂજા-પાઠ કે માનતાઓ રાખવાથી ભાગ્ય બદલાતું નથી, તેના માટે માણસે પોતાના કર્મો પણ સુધારવા પડે છે. જો મનુષ્યના કર્મ સારા હશે, તો જ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ તેના પર રહેશે.
મહિલાઓને અપીલ: "અંધશ્રદ્ધા છોડો અને બાળકોને ભણાવો"
ગામડાઓમાં ખાસ કરીને મહિલાઓ ઘણીવાર દોરા-ધાગા અને અંધશ્રદ્ધાની જાળમાં વહેલી ફસાઈ જતી હોય છે. આ ગંભીર બાબતે ચિંતા વ્યક્ત કરતા સાંસદે બહેનોને ખાસ અપીલ કરી હતી કે, "બહેનો અંધશ્રદ્ધામાં ન આવે અને પોતાના દીકરા-દીકરીઓને ભણાવે." તેમણે ઉમેર્યું કે શિક્ષણ જ એકમાત્ર એવું હથિયાર છે જે ગરીબી અને કુરીવાજોમાંથી મુક્તિ અપાવી શકે છે. નવી પેઢી ભણશે અને જાગૃત થશે તો જ સમાજનો સાચો વિકાસ શક્ય બનશે.
ભુવાજીઓ પર ગેનીબેનનો ધારદાર કટાક્ષ
સ્થાનિક સ્તરે ચાલતી અંધશ્રદ્ધા અને તેના કારણે પરિવારોમાં ઊભી થતી તિરાડ અંગે બોલતા ગેનીબેને પોતાના આગવા અંદાજમાં કટાક્ષ કર્યો કે ભુવાજીના કહેવા પર ભાઈઓ માં ક્યાં કોઈ સંપ કરે છે? ઘણીવાર ભુવાજીઓ કે તાંત્રિકોના ચક્કરમાં આવીને પરિવારો અંદરોઅંદર વેરઝેર બાંધી બેસે છે અને સુખી-સંપન્ન પરિવારો વેરવિખેર થઈ જાય છે. અંધશ્રદ્ધા ક્યારેય પરિવારમાં શાંતિ કે ભાઈચારો લાવી શકતી નથી, ઊલટાનું તે ઘર બરબાદ કરે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો સંદેશો
લાખણીના મોટાકાપરા ગામેથી ગેનીબેન ઠાકોરે આપેલો આ સામાજિક જાગૃતિનો સંદેશો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના આ પ્રગતિશીલ વિચારો અને સમાજને સાચી દિશા ચીંધવાના પ્રયાસની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. શ્રદ્ધાના નામે ચાલતી અંધશ્રદ્ધા સામે એક લોકપ્રિય નેતા દ્વારા લેવાયેલું આ સ્ટેન્ડ ખરેખર આવકારદાયક છે.
શું કોરોના ફરી ફેલાઈ રહ્યો છે? : આ રાજ્યમાં 12 નવા કેસ, 4 મોત બાદ આરોગ્ય તંત્ર એલર્ટ; ખાસ વોર્ડ શરૂ






