Surat News: સુરત શહેરની આર્થિક ગુન્હા નિવારણ શાખા (EOW)એ રૂ. 2.15 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે પુરુષોત્તમ ચૌહાણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ટેક્સટાઇલ વેપારીની બહેનને સરકારી ક્વોટામાં ઓછી કિંમતે ફ્લેટ અપાવવાની લાલચ આપી હતી અને તેના બદલામાં કરોડો રૂપિયાની રકમ મેળવી હતી. નોંધનીય બાબત એ છે કે પુરુષોત્તમ ચૌહાણની પત્ની મુંબઈ પોલીસ વિભાગમાં સિનિયર કક્ષાના અધિકારી તરીકે ફરજ બજાવતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી પક્ષ પાસેથી કુલ રૂ. 2.15 કરોડની રકમ મેળવ્યા બાદ આરોપીઓએ ફ્લેટ ફાળવાયો હોવાનું દર્શાવતા દસ્તાવેજો આપ્યા હતા. જોકે, બાદમાં તપાસ દરમિયાન તે દસ્તાવેજો બોગસ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી દ્વારા આ અંગે સવાલ ઉઠાવવામાં આવતા આરોપીઓએ અન્ય એક ફ્લેટ બતાવી ફરીથી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
બોગસ સરકારી દસ્તાવેજો અને ખોટી ઓળખનો ઉપયોગ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગના નામે બનાવટી લેટર અને દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આરોપી ઉમેશ માંજરેકરે પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપી ફરિયાદીનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરામાં પુરુષોત્તમ ચૌહાણ, ઉમેશ માંજરેકર અને દીપક મોરેની સંડોવણી સામે આવી છે. ફરિયાદી પાસેથી મોટી રકમ લીધા બાદ પણ ફ્લેટનો કબજો કે માલિકી આપવામાં આવી ન હતી. ત્યારબાદ ટેક્સટાઇલ વેપારીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત પોલીસની આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
એક આરોપીની ધરપકડ, બે હજુ પણ પોલીસ પકડથી દૂર
તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ઉમેશ માંજરેકર અને દીપક મોરે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ બોગસ દસ્તાવેજો, ખોટી ઓળખ અને સરકારી યોજનાઓના નામનો ઉપયોગ કરીને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. હવે સમગ્ર નાણાકીય વ્યવહાર, દસ્તાવેજો અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ સામે આવી ચૂક્યું છે નામ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પુરુષોત્તમ ચૌહાણનું નામ અગાઉ પણ અન્ય ગુનામાં સામે આવી ચૂક્યું છે અને સુરત પોલીસ દ્વારા તેની અગાઉ પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, મુંબઈમાં પણ પુરુષોત્તમ ચૌહાણ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અન્ય એક કેસમાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તે તપાસ અંગે અધિકૃત વિગતો જાહેર કરવામાં આવી નથી.
આર્થિક ગુન્હા નિવારણ શાખા હાલમાં સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી છે કે કેમ અને તેમાં વધુ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ફરાર આરોપીઓની ધરપકડ બાદ કેસમાં વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





