Home Gujarat Surat Surat Sumul Dairy Election Bjp Panel Wins 15 Of 16 Seats

સુરતમાં ભાજપનો ભગવો : સુમુલ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય, 1 બેઠક અપક્ષના ફાળે

sumul dairy
Published by: Chintan Chavda
Last Updated: Jul 17, 2026, 08:47 AM IST

સુરત: દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક એવી સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જાહેર થયેલા પરિણામોમાં કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. પરિણામો બાદ ભાજપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

આ ચૂંટણીમાં કુલ 16 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 7 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. બાકીની 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ 9 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો વિજય થયો, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.

આ પણ વાંચો: "મારા દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો" : વડોદરામાં યુવકનો ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન, માતાના સસરા પર ગંભીર આક્ષેપો

ઓલપાડ અને માંડવીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય

પરિણામો મુજબ, ઓલપાડ બેઠક પરથી ભાજપ પ્રેરિત પેનલના ધનસુખ નાથુભાઈ પટેલે 27 મતોથી વિજય મેળવ્યો હતો. જ્યારે માંડવી બેઠક પરથી રેશાભાઈ વસાભાઈ ચૌધરીએ 114 મતની સરસાઈ સાથે જીત નોંધાવી હતી.

બીજી તરફ મહુવા તાલુકાની બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય ડાયાભાઈ પટેલે 33 મતોથી વિજય મેળવી ભાજપ પ્રેરિત પેનલને એકમાત્ર પરાજય આપ્યો હતો.

ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય મુકેશ પટેલે પણ વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: જૈશ એ મોહમ્મદના આતંકીઓની IED તાલીમથી જેહાદી નેટવર્ક સુધી : ગુજરાત ATS ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

વ્યારા ધારાસભ્ય મોહન કોકણીનું નિવેદન

વ્યારાના ધારાસભ્ય મોહન કોકણીએ પરિણામો બાદ જણાવ્યું કે સુમુલ દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે જીવનદોરી સમાન સંસ્થા છે. તેમના જણાવ્યા મુજબ વ્યારા તાલુકામાં કુલ 90 મતમાંથી ભાજપ સમર્થિત ઉમેદવારનો એક મતથી વિજય થયો હતો.

મોહન કોકણીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર તાપી જિલ્લામાં ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારોને સફળતા મળી છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવી ટીમ પશુપાલકોના હિતોને પ્રાથમિકતા આપીને સંસ્થાના વિકાસ માટે કાર્ય કરશે અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો: વિદેશથી પરત ફરશે ગુજરાતી યુવાનો? : HCLTechના ગિફ્ટ સિટી સેન્ટરે ખોલી નવી તકો

સહકારી રાજકારણમાં પરિણામોનું મહત્વ

સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની અગ્રણી દૂધ સહકારી સંસ્થા છે અને સુરત તથા તાપી જિલ્લાના હજારો પશુપાલકો સાથે સીધી રીતે જોડાયેલી છે. આ સંસ્થાની ચૂંટણીને સહકારી ક્ષેત્રમાં રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરિણામોમાં ભાજપ પ્રેરિત પેનલને મળેલા બહુમતને કારણે આગામી કાર્યકાળ દરમિયાન સંસ્થાના વહીવટ અને વિકાસની દિશા નક્કી કરવામાં આ ટીમ મહત્વની ભૂમિકા ભજવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now