Home Gujarat Gujarat Ats Jem Uapa Case Five More Accused Arrested

જૈશ એ મોહમ્મદના આતંકીઓની IED તાલીમથી જેહાદી નેટવર્ક સુધી : ગુજરાત ATS ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

gujarat ats
Image Credit: ai
Published by: Chintan Chavda
Last Updated: Jul 17, 2026, 07:41 AM IST

ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS)એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા અનુસાર, આરોપીઓ જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર કરી ગુજરાતમાં સંગઠનનું સક્રિય નેટવર્ક ઉભું કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના કાવતરામાં સામેલ હતા. આ કેસમાં અગાઉ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો અને હવે વધુ પાંચ આરોપીઓની ધરપકડ થતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.

ATSના જણાવ્યા અનુસાર, 2 જુલાઈ, 2026ના રોજ ATS પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967ની કલમ 13, 17, 18, 38 અને 39 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી પુસ્તકોની પ્રિન્ટેડ નકલો, મસૂદ અઝહરને લખાયેલા પત્રોની નકલો અને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય તેવી આશરે રૂ. 1.30 લાખની રકમ જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: JeM ના આતંકીએ બોમ્બ બનાવીને ફોડ્યો, પ્રયાસ નિષ્ફળ : આરોપીને રિમાંડ મળ્યા બાદ જાણો વકીલે શું કહ્યું

બોમ્બ બનાવવાની તાલીમ અને IED બ્લાસ્ટનો અભ્યાસ

ATSની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓમાંથી કેટલાક વર્ષ 2023થી બોમ્બ બનાવવાની પદ્ધતિ અને IED ડેટોનેટ કરવાની તકનીક શીખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ "અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે" સહિતના જેહાદી સાહિત્યની પ્રિન્ટેડ નકલો મેળવી તેનો અભ્યાસ કર્યો હતો.

ATSના જણાવ્યા મુજબ, આરોપી મોહમ્મદ અમીન શેરા દ્વારા જેહાદી ભાષણો અને ધાર્મિક કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપતી તકરીરો પણ આપવામાં આવતી હતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2023થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીઓએ અલગ-અલગ સ્થળોએ કુલ આઠ વખત વિવિધ પ્રકારની ટાઇમર મિકેનિઝમ આધારિત વિસ્ફોટક વ્યવસ્થાનો અભ્યાસ અને પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી ઓનલાઈન પ્લેટફોર્મ તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવી હોવાનું પણ ATSએ જણાવ્યું છે. તપાસ દરમિયાન IED બનાવવા માટે ઉપયોગી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: સરહદે સુરક્ષા એજન્સીઓ એલર્ટ : કચ્છના સિરક્રીકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સઘન તપાસ શરૂ

ગુજરાત અને રાજસ્થાનમાં તપાસ બાદ પાંચ આરોપીઓ ઝડપાયા

આ કેસની તપાસ દરમિયાન ગુજરાત ATSએ ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ટીમો મોકલી સ્થાનિક પોલીસની મદદથી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ દેશવિરોધી કાવતરામાં સંડોવણી હોવાના આરોપસર પાંચ વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓમાં કઠવાડા, અમદાવાદ ખાતે રહેતા બિલાલ આબીદભાઈ શેરા (મૂળ વતન શેરાવાસ, પાટણ), ખડિયાસણના મહમદ ઐયુબ કડીવાલ, પાટણ જિલ્લાના ખળી ગામના મોહમ્મદ ઐયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી, બનાસકાંઠાના છાપીના શફીઅ રઈસ મુખી ઉર્ફે શફી છાપી અને પાટણ જિલ્લાના હૈદરપુરાના મોહમ્મદહસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરીનો સમાવેશ થાય છે.

પેનડ્રાઇવમાં મળ્યા જેહાદી વીડિયો અને સાહિત્ય

ATSના જણાવ્યા મુજબ આરોપી બિલાલ આબીદભાઈ શેરાએ અગાઉ ઝડપાયેલા આરોપી મોહમ્મદ અમીન શેરાને એક પેનડ્રાઇવ આપી હતી. આ પેનડ્રાઇવમાંથી જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરના જેહાદી વીડિયો, ભાષણો અને સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત આ સામગ્રી વિવિધ સ્થળોએ પ્રિન્ટ પણ કરાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

તપાસ દરમિયાન મહમદ ઐયુબ કડીવાલે પૂછપરછમાં અન્ય આરોપીઓ સાથે મસ્જિદોમાં ભેગા થઈને IED બોમ્બ એસેમ્બલ કરવાની અને સફળ વિસ્ફોટ કરવાની પદ્ધતિ શીખ્યાની માહિતી આપી હોવાનું ATSએ જણાવ્યું છે. ઉપરાંત તમામ આરોપીઓ જેહાદી પુસ્તકો વાંચતા હતા અને અન્ય લોકોને પણ જેહાદી વિચારધારામાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. તપાસમાં આવા ત્રણ કાર્યક્રમો યોજાયા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: ઝડપાયેલાં જૈશ-એ-મહોમ્મદના 5 આતંકીઓની સઘન પૂછપરછ : ગુજરાત ATS કરી શકે છે આતંકીઓની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા

પાંચેય આરોપીઓને પોલીસ રિમાન્ડ

ATSના જણાવ્યા અનુસાર, આતંકવાદી કાવતરામાં સક્રિય ભૂમિકા હોવાના આરોપસર પાંચેય આરોપીઓની 15 જુલાઈ, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ જોડાયેલા હતા, તેમને ક્યાંથી માર્ગદર્શન અને આર્થિક મદદ મળતી હતી તેમજ તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ કેટલો હતો.

નોંધનીય છે કે આ તમામ વિગતો ગુજરાત ATSની સત્તાવાર પ્રેસનોટમાં દર્શાવવામાં આવેલી માહિતી પર આધારિત છે. કેસની તપાસ ચાલુ છે અને આરોપીઓ સામેના આરોપો અંગે અંતિમ નિર્ણય સંબંધિત અદાલત દ્વારા પુરાવાના આધારે કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now