મહેસાણા: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા વધુ પાંચ શંકાસ્પદોની ધરપકડ બાદ તેમને મહેસાણા જિલ્લાના કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્ટે પાંચેય શંકાસ્પદોના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ATSના દાવા મુજબ, આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, પ્રતિબંધિત સાહિત્ય અને આતંકવાદી સંગઠન સાથેના સંભવિત સંપર્કો અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છે.
ATSના જણાવ્યા મુજબ, અગાઉ ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન નવા તાર સામે આવતા વધુ પાંચ વ્યક્તિઓની સંડોવણી અંગે માહિતી મળી હતી. તેના આધારે કાર્યવાહી કરીને પાંચેય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીનો દાવો છે કે આ વ્યક્તિઓના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંપર્ક હોવાની શંકા છે. જોકે, આ તમામ આરોપો હાલમાં તપાસના તબક્કામાં છે અને કોર્ટમાં સાબિત થવાના બાકી છે.
JeMના આતંકીએ બોમ્બ બનાવીને ફોડવાનો કર્યો પ્રયાસ, પરંતુ સફળ રહ્યો નહીં
કડી કોર્ટમાં રજૂ કરાયેલા પાંચ શંકાસ્પદોમાં બિલાલ આબિદભાઈ શેરા, મહંમદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખળી અયુબ સુણસરા, શફિઅ રઈસ મુખી અને મોહમ્મદહસન હનીફભાઈ કરડીયાનો સમાવેશ થાય છે.
ATSએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી મહંમદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની શંકા છે. સરકારી પક્ષના જણાવ્યા મુજબ, બોમ્બ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવામાં આવ્યું, તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો અને તે સામગ્રી હાલ ક્યાં સંતાડવામાં આવી છે તેની તપાસ માટે પોલીસ કસ્ટડી જરૂરી હતી.
તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ હોવાનું કહેવાતું જેહાદી સાહિત્ય આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યું, તે કોણે પૂરું પાડ્યું અને હાલ તે પુસ્તકો ક્યાં રાખવામાં આવ્યા છે તેની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.
સરકારી પક્ષની રજૂઆત મુજબ, અગાઉના આરોપીઓમાં સામેલ મોહમ્મદ અમીન પાસે બોમ્બ બનાવવા સંબંધિત સામગ્રી હતી, જે બિલાલ આબિદભાઈ શેરાને આપવામાં આવી હતી. ત્યારબાદ બિલાલે બોમ્બ બનાવીને તેને ફોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ સફળ રહ્યો નહોતો. ATSના દાવા મુજબ, આ સમગ્ર કડીને જોડતી વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડ જરૂરી હતા.
13 મુદ્દાઓના આધારે રિમાન્ડ અરજી
આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પી. આર. દંતાણીએ કોર્ટ સમક્ષ રજૂઆતમાં જણાવ્યું હતું કે તપાસને આગળ વધારવા માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ અનિવાર્ય છે. રિમાન્ડ અરજીમાં કુલ 13 અલગ-અલગ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિસ્ફોટક સામગ્રીની હેરફેર, આતંકવાદી સંગઠન સાથેના સંપર્કો, ડિજિટલ પુરાવા, પ્રતિબંધિત સાહિત્ય અને અન્ય સંભવિત નેટવર્કની તપાસનો સમાવેશ થાય છે.
સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ કડી કોર્ટે પાંચેય શંકાસ્પદોના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: સરહદે સુરક્ષા એજન્સીઓ એલર્ટ : કચ્છના સિરક્રીકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સઘન તપાસ શરૂ
વકીલે શું કહ્યું?
કોર્ટમાં સરકારી પક્ષ તરફથી રજૂઆત કરતાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પ્રવીણભાઈ આદનતાણીએ જણાવ્યું હતું કે ATSના ગુનામાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ દરમિયાન વધુ 5 સંદિગ્ધો સામે આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, આ પાંચેય આરોપીઓ આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પ્રવીણભાઈ આદનતાણીએ વધુમાં કહ્યું હતું કે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસે બોમ્બ બનાવવાનું સાહિત્ય હતું, જે બિલાલ આબિદ શેરાને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બિલાલે બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ATS દ્વારા આરોપીઓના ઘરે જડતી તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી કેટલાક મટીરિયલ્સ મળી આવ્યા હતા, જેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
સરકારી પક્ષે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટએ દલીલો સાંભળ્યા બાદ 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અગાઉના આરોપીઓની પૂછપરછમાંથી મળ્યા નવા તાર
સરકારી પક્ષના જણાવ્યા મુજબ, 3 જુલાઈ, 2026ના રોજ ATS દ્વારા નોંધાયેલા ગુનામાં અગાઉ આઠ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન વધુ પાંચ લોકોના નામ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવેલા પુરાવાના આધારે આ પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારી પક્ષે કોર્ટમાં એવી પણ રજૂઆત કરી હતી કે અગાઉના આરોપીઓમાં સામેલ મોહમ્મદ અમીન પાસે બોમ્બ બનાવવા સંબંધિત સામગ્રી મળી આવી હતી. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે સામગ્રી બિલાલ આબિદભાઈ શેરાને આપવામાં આવી હતી અને વિસ્ફોટક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તે પ્રયાસ સફળ રહ્યો ન હોવાનું ATSએ કોર્ટમાં જણાવ્યું હતું. ત્યારબાદ તપાસ દરમિયાન કેટલાક સામગ્રી અને પુરાવા જપ્ત કરવામાં આવ્યા હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઝડપાયેલાં જૈશ-એ-મહોમ્મદના 5 આતંકીઓની સઘન પૂછપરછ : ગુજરાત ATS કરી શકે છે આતંકીઓની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા
તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં
હાલ ATS દ્વારા આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ શરૂ કરવામાં આવશે, જેમાં વિસ્ફોટક સામગ્રીના સ્ત્રોત, ડિજિટલ સંચાર, સંભવિત સહયોગીઓ અને અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કેસ અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.
આ કેસમાં નોંધવું જરૂરી છે કે હાલ તમામ આરોપો તપાસના આધારે લગાવવામાં આવ્યા છે. કોર્ટમાં આરોપો સાબિત ન થાય ત્યાં સુધી તમામ આરોપીઓને કાયદાકીય રીતે નિર્દોષ માનવામાં આવે છે.





