Home Gujarat Vadodara Vadodara Manjusar Youth Attempt Gunshot Case

"મારા દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો" : વડોદરામાં યુવકનો ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન, માતાના સસરા પર ગંભીર આક્ષેપો

ઘટનાસ્થળે ઊભેલી પોલીસ
Published by: Chintan Chavda
Last Updated: Jul 17, 2026, 07:22 AM IST

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી નજીક આવેલા લામડાપુરા કેનાલ વિસ્તારમાં ફાયરિંગની ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના રહેવાસી અને હાલ મંજુસરમાં રહેતા 22 વર્ષીય રણજીત ચૌધરીએ દેશી બનાવટના હથિયારથી પોતાની છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોળી માર્યા બાદ તેણે હથિયાર કેનાલમાં ફેંકી દીધું હોવાનું પણ પોલીસ માની રહી છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં યુવક રસ્તા પર કણસતો મળી આવતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસે તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ યુવક એસ.આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

પારિવારિક વિવાદની દિશામાં તપાસ

પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડા અથવા ગૃહકલેશના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. જોકે, પોલીસ હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી નથી. યુવક પાસે ગેરકાયદે હથિયાર ક્યાંથી આવ્યું અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે સહિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંજુસર પોલીસ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમોએ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. કેનાલમાં ફેંકાયેલી રિવોલ્વર શોધવા માટે સ્થાનિક ડૂબકીમારોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં જળસંકટના એંધાણ : કડાણા-ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ, ખેડૂતોમાં ચિંતા

હોસ્પિટલમાં શરૂઆતમાં 'અજાણ્યા' તરીકે નોંધાયો

સયાજી હોસ્પિટલના પોલીસ રિપોર્ટમાં શરૂઆતમાં યુવકની ઓળખ 'અજાણ્યા' તરીકે નોંધવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ યુવક પાસેથી એક કાગળ અને પેન મળી આવ્યા છે. ગોળી તેની છાતીના ભાગે વાગી છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

માતાનો દાવો: "મારા દીકરાના સસરા સતત ઝઘડો કરતા હતા"

યુવકની માતા સુમિત્રાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન પોતાના પુત્રના સસરા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, "મને એટલી જાણ છે કે મારા દીકરાના સસરા સતત તેની સાથે ઝઘડો કરતા હતા અને ગાળાગાળી પણ કરતા હતા. તેથી મને શંકા છે કે મારા દીકરાને તેમણે જ મારવાનો પ્રયાસ કર્યો છે."

જોકે, માતાના આ દાવાની હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: દાહોદના ઝાલોદમાં કરુણાંતિકા : 23 વર્ષીય માતાએ 3 અને 1.5 વર્ષની દીકરીઓ સાથે લગાવી મોતની છલાંગ!

"મારા દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો"

રિવોલ્વર અંગે પૂછવામાં આવતા સુમિત્રાએ જણાવ્યું, "મને ખબર નથી કે રિવોલ્વર ક્યાંથી આવી. કોઈએ તેને કોઈને મારવા માટે આપી હોય અથવા ત્યાં મૂકી દીધી હોય તે પણ શક્ય છે. પરંતુ મારા દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો છે. હવે તે જીવશે કે નહીં તેની જ ચિંતા છે."

તેમણે જણાવ્યું કે તેમના પુત્રના લગ્નને એક વર્ષ જેટલો સમય થયો છે. તેમના જણાવ્યા મુજબ, "લગ્ન ગામમાં થયા હતા. ત્યારબાદ બંને અહીં રહેવા આવ્યા હતા."

પત્ની અને સાસરી પક્ષ સામે ગંભીર આક્ષેપ

સુમિત્રાએ વધુમાં દાવો કર્યો કે લગ્ન બાદ દંપતી વચ્ચે મતભેદો શરૂ થયા હતા. તેમણે કહ્યું, "મારી વહુની માતા તેને પોતાના ઘરે લઈ ગઈ હતી અને ત્યારથી બંને અલગ રહે છે." તેમણે વધુ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું, "મારી વહુ ગર્ભવતી હતી, પરંતુ તેને દવા આપીને ગર્ભ પડાવી દેવામાં આવ્યો હતો." આ ઉપરાંત તેમણે જણાવ્યું કે તેમની વહુ છેલ્લા બે મહિનાથી પોતાના પિયર રહે છે. જોકે, આ તમામ આક્ષેપોની હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ચોમાસા વચ્ચે જ વડોદરામાં જળ કટોકટીના એંધાણ : આજવા સરોવર ચિંતાજનક સપાટીએ, અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ

"મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ"

માતાએ દાવો કર્યો કે તેમનો પુત્ર પત્નીને મળવા ગયો ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી. તેમના શબ્દોમાં, "મારો દીકરો પત્નીને મળવા ગયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે જો અહીં આવશે તો જાનથી મારી નાખીશું." તેમણે વધુમાં જણાવ્યું, "મને મારા દીકરાના સસરા પર જ શંકા છે."

"રિવોલ્વર હોવાની મને જાણ નહોતી"

પુત્ર પાસે રિવોલ્વર હતી કે નહીં તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "મને તો ખબર જ નહોતી કે તેની પાસે રિવોલ્વર હતી. તે ક્યાંથી લાવ્યો તેની પણ મને કોઈ જાણ નથી." તેમણે વધુમાં જણાવ્યું, "ડોક્ટરો સાથે હજુ અમારી વાત થઈ નથી. મારો દીકરો બેભાન છે અને કંઈ બોલી શકતો નથી." ન્યાય અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "મને ન્યાય જોઈએ છે. જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ."


આ પણ વાંચો: મહેસાણાનાં કડીમાં ક્રિકેટ રમવા મામલે પડોશીઓ વચ્ચે થઈ મારામારી : પતિ-પત્નીએ લોખંડની પાઇપથી હુમલો કરતાં યુવક થયો ઈજાગ્રસ્ત

પોલીસનું શું કહેવું?

પોલીસના પ્રાથમિક તારણ મુજબ આ ઘટના આત્મહત્યાના પ્રયાસની હોવાનું સામે આવ્યું છે. જોકે યુવકની માતાએ મીડિયા સમક્ષ સસરા સહિત કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે, પરંતુ આ તમામ દાવાઓની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસનું કહેવું છે કે યુવકનું નિવેદન, ફોરેન્સિક તપાસ, હથિયારની તપાસ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા થશે. હાલ મંજુસર પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now