વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા મિલકત વેરાની સમયસર વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી એડવાન્સ રિબેટ યોજાને કરદાતાઓનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 15 જુલાઈ, 2026 સુધીમાં જ પાલિકાએ એડવાન્સ મિલકત વેરા પેટે રૂ.104.98 કરોડની નોંધપાત્ર આવક મેળવી છે. યોજનામાં આપવામાં આવતી વેરા રાહતને કારણે મોટી સંખ્યામાં મિલકતધારકો સમયમર્યાદા પહેલાં જ વેરો ભરવા આગળ આવ્યા છે.
મહાનગરપાલિકાના સત્તાવાર આંકડા મુજબ, આ યોજના માત્ર પાલિકાની આવક વધારવામાં જ નહીં પરંતુ સમયસર કર વસૂલાત અને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવામાં પણ અસરકારક સાબિત થઈ છે. કરદાતાઓને મળતા આર્થિક લાભને કારણે યોજાને અપેક્ષા કરતાં વધુ પ્રતિસાદ મળ્યો હોવાનું પાલિકા તંત્રનું કહેવું છે.
રહેણાંક મિલકતોને 10% અને ઓનલાઈન ચુકવણી પર વધારાનું 1% વળતર
વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનારા નાગરિકો માટે વડોદરા મહાનગરપાલિકાએ વિશેષ રાહત જાહેર કરી છે. યોજના હેઠળ રહેણાંક મિલકતો પર 10 ટકા જ્યારે બિન-રહેણાંક મિલકતો પર 5 ટકા રિબેટ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન વેરો ભરનારા તમામ કરદાતાઓને વધારાનું 1 ટકા વળતર પણ આપવામાં આવે છે. પરિણામે મોટી સંખ્યામાં નાગરિકોએ ઓનલાઈન ચુકવણીનો વિકલ્પ પસંદ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત માટે ગૌરવ! : અમદાવાદ કાલુપુર સ્ટેશન દેશના ટોપ-10 રેલવે સ્ટેશનોમાં છઠ્ઠા ક્રમે, દરરોજ દોડે છે 300થી વધુ ટ્રેન
ડિજિટલ પેમેન્ટમાં નોંધપાત્ર વધારો
પાલિકાના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ 1,05,265 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી મિલકત વેરાની ચૂકવણી કરી છે. આ માધ્યમથી પાલિકાને રૂ.82.63 કરોડની આવક થઈ છે, જે કુલ વસૂલાતનો મોટો હિસ્સો છે.
બીજી તરફ, વોર્ડ કચેરીઓ અને બેંક કાઉન્ટરો મારફતે ઓફલાઈન વેરો ભરનારા 33,962 કરદાતાઓ પાસેથી રૂ.22.35 કરોડની આવક થઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.
કરદાતાઓને રૂ.7.28 કરોડનું વળતર
પ્રોત્સાહક યોજના હેઠળ અત્યાર સુધીમાં કરદાતાઓને કુલ રૂ.7.28 કરોડનું રિબેટ આપવામાં આવ્યું છે. પાલિકાના જણાવ્યા અનુસાર, આ યોજનાથી એક તરફ નાગરિકોને વેરામાં સીધી રાહત મળી રહી છે, જ્યારે બીજી તરફ પાલિકાને પણ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મોટી આવક ઉપલબ્ધ થતાં વિકાસકાર્યો માટે નાણાંકીય આયોજન સરળ બન્યું છે.
નગરપાલિકા તંત્રનું માનવું છે કે સમયસર મળતી આવકના કારણે વિવિધ જાહેર સુવિધાઓ, માર્ગો, પાણી પુરવઠો, સફાઈ અને શહેરી વિકાસના અન્ય પ્રોજેક્ટોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે.
આ પણ વાંચો: વડોદરામાં બેફામ કાર બની કાળ : હિટ એન્ડ રનમાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીનું મોત
24 જુલાઈ સુધી જ મળશે યોજનાનો લાભ
વડોદરા મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે એડવાન્સ રિબેટ યોજનાનો લાભ લેવા માટે 24 જુલાઈ, 2026 અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ઓગસ્ટ મહિનાથી નિયમિત મિલકત વેરાના બિલ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પાલિકાએ હજુ સુધી વેરો ન ભરનારા તમામ મિલકતધારકોને સમયમર્યાદા પહેલાં વેરો ભરી યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે સમયસર વેરો ભરવાથી નાગરિકોને આર્થિક બચત થશે અને શહેરના વિકાસ માટે પણ જરૂરી આવક સુનિશ્ચિત થશે.





