ચાલુ ટ્રેનમાં ચડવું કે ઊતરવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તેનો જીવતોજાગતો અને ધ્રુજાવી દેતો કિસ્સો વડોદરા રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે. બુધવારે સાંજના સમયે વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર એક મુસાફર ચાલુ ટ્રેન પકડવાના ચક્કરમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની સાંકડી જગ્યામાં ફસાઈ ગયો હતો. ટ્રેનની ગતિ હોવા છતાં મુસાફર અંદાજિત 150 મીટર સુધી પ્લેટફોર્મ પર ઘસડાયો હતો. આ સમગ્ર કાળજું કંપાવી દેનારી ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના રહેવાસી સુરેશભાઈ તુનગરિયા પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. સાંજના સમયે જયપુર એક્સપ્રેસ ટ્રેન જ્યારે વડોદરા રેલવે સ્ટેશન પર આવીને ઊભી રહી, ત્યારે તેમની દીકરીએ કોલ્ડ્રિંક્સ પીવાની જીદ કરી હતી. સુરેશભાઈને એવો ભ્રમ હતો કે ટ્રેન અહીં અડધો કલાક જેટલો લાંબો સમય ઊભી રહેશે. આથી તેઓ કોલ્ડ્રિંક્સ લેવા માટે ટ્રેનમાંથી નીચે ઊતર્યા હતા.
માત્ર બે મિનિટમાં ટ્રેન ઉપડી, ઉતાવળ જીવલેણ બની
પરંતુ તેમનો આ અંદાજ ખોટો પડ્યો અને ટ્રેન માત્ર બે જ મિનિટના સ્ટોપેજ બાદ ઉપડી ગઈ હતી. ટ્રેનને ચાલતી જોઈને સુરેશભાઈ મૂંઝાયા હતા અને દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉતાવળમાં તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ખાબક્યા હતા.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, સુરેશભાઈ ફસાયા બાદ અન્ય એક મુસાફરે તેમને ખેંચીને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેનની ઝડપ વધુ હોવાના કારણે તે સફળ થયો ન હતો. અંતે સુરેશભાઈ પ્લેટફોર્મની કિનારે 150 મીટર સુધી ઢસડાયા હતા.
આ પણ વાંચો: સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો
પ્લેટફોર્મ પર બૂમાબૂમ થતાં જ સતર્ક રેલવે સ્ટાફ અને RPFના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અત્યંત કિલષ્ટ પરિસ્થિતિમાં કણસતી હાલતમાં ફસાયેલા સુરેશભાઈને સ્ટાફ અને લોકોએ મહામહેનતે બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં તેઓ લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રેલવે પ્રશાસને ફરી એકવાર મુસાફરોને ચાલુ ટ્રેને આવી જોખમી હરકતો ન કરવા અપીલ કરી છે.





