Home Gujarat Sankheda Rampura Murder Old Rivalry Accused Arrested

સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો

આરોપી અને પોલીસ
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 05:28 AM IST

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રામપુરા ગામમાં સામાન્ય તકરાર અને જૂની અદાવતે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં 43 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોરનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 13 જુલાઈના રોજ સવારે આશરે 9 વાગ્યે રામપુરા ગામના ભાથીજી મંદિર નજીક આ ઘટના બની હતી. હરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામના જ સત્યેન્દ્રસિંહ ઉર્ફે જગો દીપસિંહ ગોહિલે જૂની અદાવતને લઈને તેમની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં આરોપીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ અને ઘાતક હથિયાર વડે હરેન્દ્રસિંહના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે હરેન્દ્રસિંહ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા, જ્યારે હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકાના નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરિંગ : ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં દાખલ

સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હરેન્દ્રસિંહને સંખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગે ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના કારણે તબીબોએ તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (એસએસજી હોસ્પિટલ) ખાતે રિફર કર્યા હતા.

સયાજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તબીબોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. જોકે ગંભીર ઇજાઓ સામે ઝઝૂમતા હરેન્દ્રસિંહે બપોરે 2:29 વાગ્યે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધાયો

મૃતકના કાકા ધર્મેન્દ્રસિંહ ઠાકોરે સયાજી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરિયાદ સંખેડા પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે સત્યેન્દ્રસિંહ ઉર્ફે જગો દીપસિંહ ગોહિલ સામે હત્યા, જીવલેણ હુમલો તેમજ જાહેરનામા ભંગ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. યુ. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને માનવબળના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો: AIથી બનાવાઈ કુલપતિની નકલી સહી? : નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામે વાયરલ લેટરથી ખળભળાટ

હત્યામાં વપરાયેલ હથિયાર અંગે તપાસ

પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. હત્યામાં વપરાયેલા હથિયારની જપ્તી, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને બંને પક્ષ વચ્ચે અગાઉથી ચાલતા વિવાદ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ મહત્વની વિગતો સામે આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now