Ahmedabad: અમદાવાદની જગન્નાથ રથયાત્રા દેશની સૌથી પ્રાચીન અને ભવ્ય રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા જામાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી નીકળે છે. લાખો ભક્તો ભગવાનના દર્શન માટે રસ્તાઓ પર ઉમટી પડે છે. પરંતુ આ રથયાત્રાની એક એવી પરંપરા છે જે સમગ્ર દેશનું ધ્યાન ખેંચે છે અને તે છે અખાડાઓ દ્વારા રજૂ કરવામાં આવતા શૌર્ય અને કૌશલ્યના કરતબ. તલવારબાજી, લાઠીકલા, દંડ-પટ્ટા, ભાલા, ગદા, અગ્નિ કરતબ અને મલ્લયુદ્ધના વિવિધ પ્રયોગો રજૂ કરતા યુવાનો રથયાત્રાને એક અલગ જ ભવ્યતા આપે છે. વર્ષોથી લોકો માટે આ કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
અખાડા પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ?
અમદાવાદની પ્રથમ રથયાત્રા વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મહારાજના સમયમાં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. તે સમયે રથયાત્રા ખૂબ જ નાની હતી અને તેમાં થોડા જ ભક્તો જોડાતા હતા. સમય જતાં યાત્રાનું સ્વરૂપ મોટું બનતું ગયું. બ્રિટિશ શાસન દરમિયાન શહેરમાં કોમી તણાવ અને સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને રથયાત્રા સાથે શારીરિક રીતે સક્ષમ અને શિસ્તબદ્ધ યુવાનો જોડાવા લાગ્યા. આ યુવાનો સ્થાનિક વ્યાયામશાળાઓ અને અખાડાઓમાં તાલીમ લેતા હતા. આ રીતે અખાડાઓનો રથયાત્રામાં પ્રવેશ માત્ર કરતબ બતાવવા માટે નહોતો, પરંતુ ભગવાનના રથની સુરક્ષા, ભીડનું સંચાલન અને શિસ્ત જાળવવાના હેતુથી થયો હતો.

વ્યાયામથી શરૂ થયેલી પરંપરા આજે સાંસ્કૃતિક ઓળખ બની
19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં વ્યાયામ અને મલ્લવિદ્યાનું મહત્વ ખૂબ વધારે હતું. શહેરના અનેક વિસ્તારોમાં વ્યાયામશાળાઓ અને અખાડાઓ ચાલતા હતા, જ્યાં યુવાનોને દંડ-બેઠક, મલ્લયુદ્ધ, લાઠી, તલવાર અને ભાલાની તાલીમ આપવામાં આવતી હતી. આ તાલીમ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહોતી. તેનો હેતુ શારીરિક સશક્તિકરણ, આત્મરક્ષા અને શિસ્તબદ્ધ જીવનશૈલી વિકસાવવાનો પણ હતો. ધીમે-ધીમે આ યુવાનો રથયાત્રામાં જોડાયા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવા લાગ્યા. ત્યારથી અખાડાના કરતબ રથયાત્રાનો અભિન્ન ભાગ બની ગયા.
કયા પ્રકારના કરતબો રજૂ કરવામાં આવે છે?
અમદાવાદની રથયાત્રામાં ભાગ લેતા અખાડાઓ દ્વારા અનેક પ્રકારની પરંપરાગત ભારતીય યુદ્ધકલાનું પ્રદર્શન કરવામાં આવે છે. તેમાં લાઠીકલા, તલવારબાજી, દંડ-પટ્ટા, ભાલા ચલાવવાની કલા, ગદા યુદ્ધ, મલ્લયુદ્ધ, માનવ પિરામિડ, આગ સાથેના સંતુલન કરતબ અને વિવિધ શારીરિક કૌશલ્યનો સમાવેશ થાય છે. આ તમામ કરતબો માટે મહિનાઓ સુધી સતત તાલીમ આપવામાં આવે છે. ભાગ લેનારા યુવાનો કડક શિસ્ત અને નિયમોનું પાલન કરીને તૈયારી કરે છે.
રથયાત્રા પહેલાં મહીનાઓ સુધી ચાલે છે તૈયારી
રથયાત્રા પહેલાં વિવિધ અખાડાઓમાં દરરોજ સવાર અને સાંજ પ્રેક્ટિસ થાય છે. અનુભવી ગુરુઓ યુવાનોને પરંપરાગત હથિયારો સુરક્ષિત રીતે ચલાવવાની તાલીમ આપે છે. અખાડાઓમાં માત્ર યુવકો જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી યુવતીઓ પણ લાઠીકલા અને માર્શલ આર્ટ્સની તાલીમ લઈને રથયાત્રામાં કરતબ રજૂ કરી રહી છે. આ બદલાવને સમાજમાં સકારાત્મક સંદેશ તરીકે જોવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા : જુઓ અદ્ભુત ડ્રોન Video





