મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની નગરચર્યાનું મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આવેલા અત્યાધુનિક CM ડેશબોર્ડ પરથી રિયલ-ટાઈમ મોનિટરિંગ કર્યું હતું. વીડિયો વોલ પર જીવંત પ્રસારણ દ્વારા તેમણે સમગ્ર રથયાત્રાના રૂટ, રથોની હિલચાલ અને સુરક્ષા વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત પહિંદ વિધિ નિભાવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં CM ડેશબોર્ડની વીડિયો વોલ પર રથયાત્રાના જીવંત દૃશ્યો નિહાળી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
AI અને ડ્રોન ટેકનોલોજીથી સુરક્ષા વ્યવસ્થા પર નજર
મુખ્યમંત્રીએ રથના રિયલ-ટાઈમ લોકેશન, પોલીસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ, ડ્રોન સર્વેલન્સ તેમજ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. રથયાત્રાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત પોલીસ દળો, ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ અંગે પણ તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર રથયાત્રાની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈ શકાય અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.
આ પણ વાંચો: CMએ રથયાત્રા અને કચ્છી નૂતન વર્ષ નિમિત્તે પાઠવી શુભેચ્છા : 'વિકસિત ભારતના સંકલ્પમાં લીડ લેશે ગુજરાત', તેવો રથયાત્રામાં કર્યો સંકલ્પ
વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
CM ડેશબોર્ડ પર યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના તેમજ ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક સહિત પોલીસ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ રથયાત્રાની વ્યવસ્થા અને સુરક્ષા અંગે મુખ્યમંત્રીને તલસ્પર્શી માહિતી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે રથયાત્રાના સફળ અને સુરક્ષિત આયોજન માટે આધુનિક ટેકનોલોજી, AI આધારિત સર્વેલન્સ અને ડ્રોન મોનિટરિંગનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર યાત્રા પર સતત નજર રાખી શકાય છે.










