Home Gujarat Rajkot Rajkot Jam Tower Chowk Truck Accident Shahanazben Death

રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માત : જામટાવર ચોક પાસે ટ્રકની અડફેટે મહિલાનું મોત, પુત્રનો આબાદ બચાવ

લોકોનું ટોળું
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 07:04 AM IST

રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. શહેરના જામટાવર ચોક ખાતે આજે સવારે ટ્રકની અડફેટે આવતાં 40 વર્ષીય શહેનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે બાઇક પર સવાર તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક કબજે લઈને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, શહેનાઝબેન દલ તેમના પુત્ર સાથે બાઇક પર હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જામટાવર ચોક પાસે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે શહેનાઝબેન ટ્રકના પૈડાં નીચે આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના પુત્રનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા

મૃતક શહેનાઝબેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અકસ્માતમાં સામેલ ટ્રકને કબજે લીધો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : વડોદરાના બીલ વિસ્તારમાં રસ્તો ફરી ધસી પડ્યો : કોન્ટ્રાક્ટરને ફટકારાયો રૂ. 5 લાખનો દંડ

"મારી બહેન ટ્રકના ટાયરની નીચે આવી ગઈ હતી": ભાઈનો આક્રોશ

મૃતકના ભાઈ શાહરૂખભાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાની બહેનને ટ્રકના ટાયરની નીચે જોયા હતા. આ દૃશ્ય તેમના માટે અત્યંત આઘાતજનક હતું.

તેમણે આરોપ લગાવ્યો કે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અંગેના નિયમોનું યોગ્ય પાલન થતું નથી. તેમના જણાવ્યા અનુસાર, ભારે વાહનો માટે સમય મર્યાદા હોવા છતાં ટ્રકો શહેરમાં બેફામ ફરી રહી છે અને તેના કારણે વારંવાર નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

શાહરૂખભાઈએ વધુમાં જણાવ્યું કે અકસ્માત સ્થળે ટ્રાફિક નિયંત્રણ, સ્પીડ બ્રેકર અને અન્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. તેમના મતે ટ્રાફિક તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારમાં થોડા દિવસોમાં આ બીજો જીવલેણ અકસ્માત બન્યો છે.

આ પણ વાંચો : સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો

"પરિવારે માતાનો સહારો ગુમાવ્યો, અમને ન્યાય જોઈએ"

શાહરૂખભાઈએ જણાવ્યું કે શહેનાઝબેનની ઉંમર લગભગ 40 વર્ષ હતી અને તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં હતા. અકસ્માત સમયે તેમનો પુત્ર તેમને હોસ્પિટલ મૂકી આવવા લઈ જઈ રહ્યો હતો.

તેમણે કહ્યું કે પરિવારના વડાનું કેટલાક વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું છે અને હવે માતાના અવસાનથી પરિવારનો મુખ્ય સહારો પણ છીનવાઈ ગયો છે. તેમણે અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની અને પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now