Home Gujarat Rajkot Saurashtra University Exam Controller Manish Shah Resignation

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું : હવે નવા નિયામકની નિયુક્તિની તૈયારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મનીષ શાહ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 15, 2026, 10:12 AM IST

Saurashtra University News: રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તેમનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ યુનિવર્સિટીના વહીવટી વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

શૈક્ષણિક કામગીરી પર વધુ ધ્યાન આપવા પદમુક્તિની કરી હતી માંગ

મનીષ શાહે યુનિવર્સિટી પ્રશાસનને આપેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ પરીક્ષા નિયામક તરીકેની જવાબદારીઓમાંથી મુક્ત થઈને શૈક્ષણિક કાર્ય તેમજ કેમેસ્ટ્રી વિભાગની જવાબદારીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આથી તેમણે સ્વેચ્છાએ પરીક્ષા નિયામકના પદ પરથી મુક્ત કરવાની વિનંતી કરી હતી, જેને યુનિવર્સિટીએ સ્વીકારી લીધી છે.

નવા પરીક્ષા નિયામકની જાહેરાત ટૂંક સમયમાં થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ (VC) ઉત્પલ જોષીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નવા પરીક્ષા નિયામકના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં આ પદ માટે એકથી બે નામો વિચારણા હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. નવા નિયામકની પસંદગી બાદ પરીક્ષા વિભાગની કામગીરી અગાઉની જેમ નિયમિત રીતે ચાલુ રહેશે.

વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતને લઈ કુલપતિનું નિવેદન

વિદ્યાર્થી સંગઠનો દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો અંગે પણ કુલપતિ ઉત્પલ જોષીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે રજૂઆતોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ભૂતકાળની કેટલીક બાબતોને આધારે હતા અને વર્તમાન વહીવટી કામગીરી સાથે તેનો સીધો સંબંધ નથી.

પીજી એડમિશન અને પરિણામની કામગીરી યથાવત ચાલુ

યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા નિયામકના રાજીનામાની અસર વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રક્રિયા પર નહીં પડે. હાલમાં પીજી એડમિશન પ્રક્રિયા, પરીક્ષાના પરિણામો અને અન્ય શૈક્ષણિક કામગીરી સમયસર અને નિયમિત રીતે ચાલી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વહીવટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું 80% કામ પૂર્ણ : સપ્ટેમ્બર-ઓક્ટોબરથી કામગીરીની તૈયારી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ અને AAI ચેરમેને પ્રોજેક્ટની સમીક્ષા કરી

વહીવટી પરિવર્તન છતાં શૈક્ષણિક કામગીરી પર નહીં પડે અસર

યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા મુજબ આ માત્ર વહીવટી ફેરફાર છે અને શૈક્ષણિક કે પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રક્રિયા પર તેની અસર થવાની નથી. નવા પરીક્ષા નિયામકની નિમણૂક સુધી જરૂરી જવાબદારીઓ આંતરિક વ્યવસ્થા હેઠળ સંભાળવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now