Rajkot News: રાજકોટમાં આવતીકાલે અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને શહેરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રથયાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના એક દિવસ પૂર્વે રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર વિશેષ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી, એસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. રથયાત્રાના રૂટ પર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, ઇમરજન્સી પ્રતિસાદ અને ભીડ નિયંત્રણ અંગે સ્થળ પર જ સમીક્ષા કરવામાં આવી હતી.
SOG, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો સંયુક્ત બંદોબસ્ત
રથયાત્રાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર માટે જરૂરી ડાયવર્ઝન, પાર્કિંગ વ્યવસ્થા અને વિકલ્પ માર્ગોની પણ પૂર્વ તૈયારી કરવામાં આવી છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ટ્રાફિક પોલીસને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર 24 કલાક સાયબર સેલની નજર
રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા મારફતે કોઈ અફવા, ઉશ્કેરણીજનક સંદેશા અથવા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ન થાય તે માટે રાજકોટ પોલીસની સાયબર સેલની ટીમ સતત 24 કલાક મોનિટરિંગ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની વાંધાજનક, ભ્રામક અથવા કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડે તેવી પોસ્ટ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ અપ્રમાણિત માહિતી અથવા અફવા સોશિયલ મીડિયા પર શેર ન કરે અને શંકાસ્પદ પોસ્ટ નજરે ચડે તો તરત જ પોલીસને જાણ કરે.
900થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત
રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર વ્યવસ્થામાં 4 ડીસીપી, 6 એસીપી, 23 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 91 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત 900થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત, જરૂરિયાત મુજબ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), મોબાઇલ પેટ્રોલિંગ ટીમો અને ઇમરજન્સી પ્રતિસાદ માટેની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવા માટે મહત્વના સ્થળોએ સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં લાખોના લિંબાયત લાંચ કેસમાં મોટી કાર્યવાહી : ફરાર કથિત પત્રકારની ACB દ્વારા ધરપકડ
ભક્તોને શાંતિપૂર્ણ દર્શન માટે પોલીસની અપીલ
રાજકોટ પોલીસ દ્વારા શહેરના નાગરિકો અને ભક્તોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રામાં જોડાવાની અપીલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે દરેક ભક્તને સુરક્ષિત વાતાવરણમાં ભગવાન જગન્નાથજીના દર્શન થઈ શકે તે માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.





