Home Gujarat Surat Surat Acb Lakhoni Lanch Case Journalist Arrest Limbayat 2026

સુરતમાં લાખોના લિંબાયત લાંચ કેસમાં મોટી કાર્યવાહી : ફરાર કથિત પત્રકારની ACB દ્વારા ધરપકડ

સુરત ACB દ્વારા લાખોની લાંચ કેસમાં ફરાર કથિત પત્રકારની ધરપકડ બાદ કાર્યવાહી.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 15, 2026, 03:50 PM IST

Surat News: સુરતમાં વર્ષ 2026 દરમિયાન સામે આવેલા લાખોની લાંચના ચર્ચાસ્પદ કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ને મહત્વની સફળતા મળી છે. કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે જમીલખાન પઠાણની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી આજે સુરત ACB સમક્ષ હાજર થતાં અધિકારીઓએ તેની કાયદેસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલો સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સાથે સંકળાયેલો છે. ACBએ આ કેસમાં 20 ફેબ્રુઆરી, 2026ના રોજ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ અનુસાર, ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી અને આ રકમ કથિત પત્રકાર મારફતે પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.

ફરિયાદ બાદ ACBએ ગોઠવ્યું હતું છટકું

લાંચની માંગણીથી કંટાળેલા ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ પ્રાથમિક ચકાસણી બાદ છટકું ગોઠવ્યું હતું. તપાસ દરમિયાન કથિત પત્રકારે ફરિયાદીને પોતાની ઓફિસમાં લાંચની રકમ લઈને આવવા જણાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ACBની ટીમે ફરિયાદીને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, છટકાની કાર્યવાહી દરમિયાન કથિત પત્રકારને ACBની હાજરીની શંકા જતાં તે સ્થળ પરથી લાખોની લાંચની રકમ સાથે ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં નોંધાયું હતું. આ દરમિયાન કેસના મુખ્ય આરોપી તરીકે નામ સામે આવેલા કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.

અગાઉ કાર્યપાલક ઈજનેરની થઈ હતી ધરપકડ

કેસ નોંધાયા બાદ ACBએ તપાસ આગળ વધારી હતી અને બાદમાં કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, કથિત પત્રકાર સતત ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. આજે આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે જમીલખાન પઠાણ ACB સમક્ષ હાજર થતાં અધિકારીઓએ તેની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ દરમિયાન લાંચની રકમ, સમગ્ર કાવતરું તેમજ કેસ સાથે સંકળાયેલા અન્ય પાસાઓ અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બે વિદેશી મહિલાઓ ઝડપાઈ : વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ ભારતમાં રહેતી હતી, ચાંદખેડા પોલીસે ડિપોર્ટની કાર્યવાહી શરૂ કરી

ACB દ્વારા આરોપીની કસ્ટડી મેળવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કેસમાં વધુ ખુલાસા થાય છે કે નહીં તેના પર હવે સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now