Mehsana News: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગામમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં એક નિર્દોષ શ્વાન સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાના આક્ષેપોએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક શ્વાન કોઈના ઘરની ચંપલ લઈને જતાં કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ અજાણ્યા શખ્સે શ્વાનની બંને આંખો ફોડી નાખી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈપણ કારણસર એક બેજુબાન પ્રાણી સાથે આટલી નિર્દયતા દાખવવી અત્યંત દુઃખદ અને નિંદનીય છે. સમગ્ર ઘટનાએ પશુઓની સુરક્ષા અને તેમના પ્રત્યેના માનવીય વર્તન અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ચંપલ લઈ જતાં થયો વિવાદ
સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર, ગામમાં ફરતું એક શ્વાન કોઈના ઘરની ચંપલ લઈને જતું હતું. આ બાબતે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ કોઈ વ્યક્તિએ ગુસ્સામાં આવી શ્વાન પર ક્રૂર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં શ્વાનની બંને આંખોને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત હાલતમાં શ્વાનને જોતા સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાના ફોટા અને માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં જળસંકટના એંધાણ : કડાણા-ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ, ખેડૂતોમાં ચિંતા
સ્થાનિક મહિલાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
દઢીયાળ ગામની રહેવાસી સોનલબેન ઠાકોરે આ સમગ્ર ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે એક નિર્દોષ અને બેજુબાન પ્રાણી સાથે આ પ્રકારની ક્રૂરતા કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
તેમણે જણાવ્યું કે શ્વાન કોઈને નુકસાન પહોંચાડતો નહોતો, છતાં તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. સોનલબેને જણાવ્યું કે આ મામલે સંબંધિત વ્યક્તિ સામે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દાહોદના ઝાલોદમાં કરુણાંતિકા : 23 વર્ષીય માતાએ 3 અને 1.5 વર્ષની દીકરીઓ સાથે લગાવી મોતની છલાંગ!





