Home Gujarat Ahmedabad Gujarat Latest News Updates Today 17 July 2026

LiveGujarat Latest News Updates Today : જાણો ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat News Live Updates 17 July 2026
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2026, 04:09 AM IST

Gujarat News Live Updates 17 July 2026: આજે 17 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
5 મિનિટ પહેલા17 જુલાઈ 2026

મચ્છરમુક્ત ગુજરાત: ૧૯,૫૦૦ ટીમોએ ૨૯ લાખ બ્રીડિંગ સાઇટ્સનો નાશ કર્યો, ફોગિંગ અને ખાસ માછલીઓથી મહાઅભિયાન

ગાંધીનગર: ચોમાસામાં વાહકજન્ય રોગો અટકાવવા ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ પૂરી તાકાતથી મેદાને ઉતર્યો છે. હાઉસ-ટુ-હાઉસ ઝુંબેશના બીજા રાઉન્ડ હેઠળ ૧૯,૫૦૦થી વધુ આરોગ્ય ટીમોએ ૬.૫૧ કરોડથી વધુની વસ્તીનું સર્વેલન્સ હાથ ધર્યું છે. આ તપાસ દરમિયાન તાવના લક્ષણો ધરાવતા દર્દીઓમાંથી મેલેરિયાના ૨૮ નવા કેસ શોધીને તુરંત સારવાર શરૂ કરાઈ છે. મચ્છરોની ઉત્પત્તિ રોકવા ૨૯ લાખથી વધુ બ્રીડિંગ સાઇટ્સનો નાશ કરાયો છે, જ્યારે ૩ લાખથી વધુ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. પાણી ભરાતા ૪,૯૯૮ સ્થળોએ 'પોરાભક્ષક' માછલીઓ મુકાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં જંતુનાશક દવાનો બીજો રાઉન્ડ ૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થશે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ લડતને જન-આંદોલન બનાવવા સરપંચોને અપીલ કરી છે.

6 મિનિટ પહેલા17 જુલાઈ 2026

મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: રેકોર્ડબ્રેક ૯૪ લાખ ટેસ્ટ, ૨૯ લાખ બ્રીડિંગ સાઇટ્સનો નાશ

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ ૧૯,૫૦૦થી વધુ ટીમો દ્વારા રાજ્યની ૬.૫૧ કરોડની વસ્તીનું સઘન સર્વેલન્સ કરી ૨૯ લાખ મચ્છર ઉત્પત્તિ સ્થાનો (બ્રીડિંગ સાઇટ્સ)નો નાશ કરાયો છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં મેલેરિયાના રેકોર્ડબ્રેક ૯૪ લાખથી વધુ બ્લડ સેમ્પલ તપાસવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ આવેલા તમામ ૪૮૬ દર્દીઓને મફત સારવાર અપાઈ છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ માટે ૬૫,૨૯૩ અને ચિકુનગુનિયા માટે ૯,૯૬૩ સેમ્પલ ટેસ્ટ કરી સચોટ નિદાન કરાયું છે.

25 મિનિટ પહેલા17 જુલાઈ 2026

સુમુલ ડેરી ચૂંટણી: ૧૬ બેઠકોનું ચિત્ર આજે થશે સ્પષ્ટ, ૯ બેઠકો માટે મતગણતરી શરૂ

સુરત: દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા સુમુલ ડેરીની નવ બેઠકોની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે ૧૧ વાગ્યાથી સુમુલ ડેરી ભવન ખાતે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, અને બપોરે ૧૨ થી ૧ વાગ્યાની વચ્ચે તમામ પરિણામો જાહેર થવાની સંભાવના છે. સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકોમાંથી ભાજપ પ્રેરિત સહકાર પેનલના સાત ઉમેદવારો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. બાકી રહેલી નવ બેઠકો પર સહકાર પેનલ અને પશુપાલક હિત રક્ષક સમિતિ (બળવાખોરો અને કોંગ્રેસ ગઠબંધન) વચ્ચે સીધો જંગ છે, જેમાં કુલ ૨૧ ઉમેદવારોનું ભાવી દાવ પર લાગ્યું છે. આ પરિણામો બાદ રૂપિયા ૬,૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી પર સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

49 મિનિટ પહેલા17 જુલાઈ 2026

ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે આપી ચેતવણી, ફરી શરૂ થશે વરસાદી રાઉન્ડ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલ-માર્ક્ડ લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ખેડા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં વરસી શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now